(સંવાદ દાતા દ્વારા) અમદાવાદ, તા.૨૭
લોકરક્ષક દળની પરીક્ષામાં મહિલાની ભરતી વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો છે જેના પર ગુજરાત હાઇકોર્ટમાં મેરીટ લીસ્ટમાં ગેરરીતી થઇ હોવાના મામલે હાઇકોર્ટમાં અરજી થઇ છે. જેમાં અરજદારની કોર્ટમાં રજૂઆત હતી કે પુરુષોનું જનરલ કેટેગરી મુજબ મેરીટ લિસ્ટ બહાર પાડ્યા બાદ રિસ્પેકટીવ રિઝર્વ કેટેગરીનું મેરીટ લિસ્ટ નિયમ મુજબ બહાર પાડ્યું છે. જયારે મહિલાઓનું મેરીટ લિસ્ટ બહાર પાડ્યું છે પણ જનરલ કેટેગરીનું મેરીટ લિસ્ટ બહાર પાડ્યું નથી જેથી જનરલ કેટેગરીનું મેરીટ લિસ્ટ બહાર પાડવા હાઇકોર્ટમાં અરજદારએ માગ કરી હતી. સાથે જ સરકારનો જે પરિપત્ર છે તે યોગ્ય નથી તેવો અરજદારે દાવો કર્યો છે. જે મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારને જવાબ રજૂ કરવા નિર્દેશ અને નોટીસ ઈશ્યુ કરી છે નોંધનીય છે કે અરજદારે કોર્ટમાં સુપ્રીમ કોર્ટના સૂચનો પણ રજૂ કર્યા હતા. જે મામલે વધુ સુનાવણી આગામી દિવસમાં હાઇકોર્ટમાં હાથ ધરાશે.