૨૬ ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં તાજેતરમાં યોજાયેલી જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીઓ “લોકશાહીનું ઉદાહરણ” છે.
પરંતુ તે જ દિવસે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના ઉપપ્રમુખ ઓમર અબ્દુલ્લાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે સરકાર પર કેન્દ્રશાસિત પ્રદેશમાં લોકશાહીને બદનામ કરવાનો આરોપ મૂક્યો હતો. અબ્દુલ્લાએ જણાવ્યું કે પીપલ્સ એલાયન્સ ફોર ગુપ્કર ડિકલેરેશનના વિજેતા ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીની ‘બી-ટીમ’ બનેલી અપની પાર્ટીમાં જોડાવા માટે ધમકી, અપમાન અને દબાણ કરવામાં આવી રહ્યું છે. પોતાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અબ્દુલ્લાએ આરોપ લગાવ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશની સરકાર પોલીસનો ઉપયોગ ગુપ્કર એલાયન્સના વિજેતા ઉમેદવારોને જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીમાં જોડાવા માટે દબાણ કરવા માટે કરી રહી છે.
નાની સંખ્યા, મોટી આકાંક્ષાઓ
જમ્મુ-કાશ્મીરના રાજકીય લેન્ડસ્કેપમાં અપની પાર્ટી નવી છે. માર્ચ મહિનામાં કેન્દ્રના આશીર્વાદ સાથે “કલમ ૩૭૦થી આગળ જોવા” માટે અપની પાર્ટીની રચના કરવામાં આવી હતી. ૨૨ ડિસેમ્બરે, જ્યારે જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીઓનાં પરિણામો જાહેર થયાં, ત્યારે અપની પાર્ટીનું પ્રદર્શન ઘણું ખરાબ હતું. જમ્મુ અને કાશ્મીરમાં તેણે ૧૩૪ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, તેમાંથી માત્ર ૧૨ બેઠકો જીતી હતી, જેમાંથી નવ કાશ્મીર ખીણમાં હતી.
પરંતુ પાછલા અઠવાડિયામાં કાશ્મીર ખીણમાં શ્રેણીબદ્ધ પક્ષપલટાને કારણે, અપની પાર્ટીની સંખ્યા ૨૦ પર પહોંચી ગઈ છે. પક્ષનો દાવો છે કે તે કેન્દ્ર શાસિત પ્રદેશની ૨૦ જિલ્લા પરિષદોમાંથી ઓછામાં ઓછા ચારને નિયંત્રણમાં રાખવાનો છે. પાર્ટી અપક્ષ ઉમેદવારોનું સમર્થન મેળવવા અને અન્ય રાજકીય પક્ષોના પક્ષપલટો કરનારાઓ પર આધારિત હોવાનું લાગે છે. પાર્ટી જમ્મુ-કાશ્મીરમાં પક્ષપલટા વિરોધી કાયદાની ગેરહાજરીનો તેના ફાયદા માટે ઉપયોગ કરી રહી છે.
નિયંત્રણનું ગણિત
જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી માટે, જમ્મુ-કાશ્મીરના દરેક ૨૦ જિલ્લાઓને ૧૪ મત વિસ્તારોમાં વહેંચવામાં આવ્યા હતા. દરેક મતક્ષેત્રમાં એક પ્રતિનિધિ રહેશે. કોઈ પક્ષે જિલ્લા કાઉન્સિલને નિયંત્રિત કરવા અને તેના અધ્યક્ષની પસંદગી કરવા માટે, તેમની પાસે ઓછામાં ઓછી આઠ બેઠકો હોવી આવશ્યક છે.
૨૨ ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરાયા પછી કુલ ૨૭૮ બેઠકોમાંથી ગુપ્કર એલાયન્સે ૧૧૦ બેઠકો પર વિજય મેળવ્યો હતો. તેણે કાશ્મીર ખીણની દસ જિલ્લા કાઉન્સિલમાંથી છમાં બહુમતી મેળવી હતી. અન્ય ત્રણ જિલ્લામાં, મહાગઠબંધનને બહુમતી મેળવવામાં એક બેઠક ઓછી પડી છે. આમાંથી એક, બાંદીપોરાની બેઠક માટેનું પરિણામ હજી જાહેર કરાયું નથી.
શોપિયનમાં પક્ષપલટો
શોપિયાનમાં ગુપ્કર એલાયન્સના વિજેતા ઉમેદવાર યાસ્મીના જાન અપની પાર્ટીમાં જતાં રહ્યા. જાન એ દક્ષિણ કાશ્મીરના શોપિયન જિલ્લામાં ઇમામ સાહેબ-૧ બેઠક પરથી ચૂંટણી લડી હતી. ઉમર અબ્દુલ્લાએ તેના પતિ સાથેના એક ફોન કોલનું રેકોર્ડિંગ વગાડ્યું હતું જેમાં તેણે કહ્યું હતું કે તેની પત્નીને બળજબરીથી તેના સાળાને અટકાયતથી મુક્ત કરવાના બદલામાં અપની પાર્ટીમાં જોડાવા માટે કહેવામાં આવ્યું હતું. અબ્દુલાએ કહ્યું,”કોના આદેશ પર આ બધું થઈ રહ્યું છે તેના કારણોની મને ખબર નથી.”
દરમિયાન, અપની પાર્ટીના પ્રવક્તા મલ્હોત્રાનું કહેવું છે કે વધુ સફળ અપક્ષ અને પક્ષના ઉમેદવારો તેમના પક્ષમાં જોડાવાની સંભાવના છે, વાતચીત ચાલુ છે. ઘણા અપક્ષો અમારી સાથે જોડાયેલા હતા અને તેઓ જિલ્લા કાઉન્સિલોમાં બહુમતી માટે દાવો કરવામાં અમારી મદદ કરશે.
– સફાવત જર્ગર (સૌ. : સ્ક્રોલ.ઈન)