(એજન્સી) તા.૧૭
નેહા સિંહ રાઠૌરના મિત્રોએ તેને ઘણી વાર ચેતવણી આપી છે કે તે પોતાને જોખમમાં મૂકી રહી છે. તેના એક મિત્રએ નેહાને એવું જણાવ્યું હતું કે તારી હાલત ગૌરી લંકેશ જેવી થઇ શકે છે. વાચાળ પત્રકાર ગૌરી લંકેશની સપ્ટે.૨૦૨૭માં બેંગ્લુરુમાં તેના ઘર સામે જ ઠાર મારીને હત્યા કરવામાં આવી હતી. આવી વાતો બીજી કોઇ વ્યક્તિ હોય તો ડરી જાય પરંતુ નેહા સિંહ રાઠૌર પોતાના મિત્રોની ચેતવણીને પ્રશંસા તરીકે લે છે. ભોજપુરીમાં સિંગીંગ સેન્સેશન બની ગયેલ ૨૩ વર્ષની ગાયિકા નેહા રાઠૌર કહે છે કે આપણી લોકશાહી આપણને સરકારને પ્રશ્નો પૂછવાનો અધિકાર આપે છે અને હું માત્ર એ જ કરી રહી છું. નેહા રાઠૌરના ભોજપુરી લોકગીતોમાં ગ્રામીણ લઢણ સાથે વિદ્રોહી સૂર રજૂ કરે છે. તેના એક પછી એક ભોજપુરી ગીતો વાયરલ થયાં છે. એમાંય તેનું એક ગીત ‘રોજગાર દેબા કી કરબા ડ્રામા, કુર્શીયા તોહરે બાપકે ના હૈ.’ ગીત એકદમ પ્રસિદ્ધ થયું છે. તેમાં સ્પષ્ટપણે જણાવે છે કે શું તમે અમને રોજગાર આપશો કે ખાલી નૌટંકી કરશો ? સત્તાની ખુરશી તમારા બાપની નથી. એ જ રીતે તેનું એક બીજું ગીત અચ્છે દિનના વાયદા કરનાર ભાજપ સામે નિશાન તાકતું છે જેના શબ્દો છે ‘કંધે જોલી, હાથે કટોરા, થમાયે ગયલી, અચ્છે દિન આય ગયલી હો’ આ ગીતમાં નેહા એવું કહેવા માગે છે કે તેમણે અચ્છે દિનનું વચન આપ્યું હતું પરંતુ આપણને વાસ્તવમાં ખભે થેલી અને હાથમાં ભીખ માગવાનો કટોરો મળ્યો છે. નેહા સિંહ રાઠૌર બિહાર-ઉ.પ્ર. સરહદે આવેલા એક નાનકડા ગામ જંદાહામાં રહે છે અને સ્નાતક થયા બાદ તેણે ૨૦૧૯માં ભોજપુરી ગીતોનું કમ્પોઝિંગ અને ગાયન શરૂ કર્યુ હતું. છેલ્લા એક વર્ષમાં ં૯૦૦૦૦ કરતાં વધુ લોકોએ તેનું યુટ્યૂબ ચેનલ ધરોહરને સબસ્ક્રાઇબ કરી છે. તેના ચાહકોમાં ફિલ્મ નિર્માતાઓ, પત્રકારો, પૂર્વ અધિકારીઓ અને વિપક્ષી નેતાઓ છે. નેહા આર્કિટેક પિતા રમેશ સિંહ અને ગૃહિણી ચંપા દેવીની પુત્રી છે. નેહા જણાવે છે કે કેટલાક લોકો મને કહે છે કે રાજનીતિ કરતી નહી નહીતર તું બરબાદ થઇ જઇશ. કેટલાક લોકો મને રાષ્ટ્ર વિરોધી અને દેશદ્રોહી ગણાવે છે. પરંતુ યાતના ભોગવી રહેલ લોકોના અવાજને બુલંદ બનાવવો એ કોઇ અપરાધ નથી.
Recent Comments