(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૯
સંસદના શિયાળુ સત્રના બીજા દિવસે મંગળવારે લોકસભામાં પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તન અંગે ગંભીર ચર્ચા થઇ હતી. તૃણમુલ કોંગ્રેસના સાંસદ ડૉ. કાકોલી ઘોષ દાસ્તીદાર લોકસભામાં પ્રદૂષણ પર ચર્ચા કરવા માટે માસ્ક પહેરીને પહોંચ્યા હતા.જોકે, કેટલાક સભ્યો દ્વારા કોમેન્ટ થતા તેમણે માસ્ક હટાવી લીધું હતું. કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, સમસ્યાના ઉકેલ માટે ૧૯૮૧માં બનેલા એર એક્ટને મજબૂત કરવાની જરૂર છે. કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી ૨૦૧૮માં સરકારે નેશનલ ક્લિન એર પ્રોગ્રામની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમનો ઉદેશ્ય તો સારો હતો પણ બજેટ માત્ર ૩૦૦ કરોડ રૂપિયા જ છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે, માત્ર ૩૦૦ કરોડમાં દેશની હવા કેવી રીતે સ્વચ્છ થશે. તેમણે કહ્યું કે, એક્શન પ્લાનને સંપૂર્ણ રીતે ફંડિંગની રણનીતિ સામે રાખવી જોઇએ.સાથે જ ગૃહમાં સ્થાયી સમિતી બનવી જોઇએ. આનંદપુર સાહિબને સાંસદ મનીષ તિવારીએ જણાવ્યું હતું કે, જ્યારે દિલ્હીમાં દર વર્ષે પ્રદૂષણનો મુદ્દો સામે આવે છે ત્યારે એવું કેમ થાય છે કે આના પર સરકાર અને સદનમાં કોઇ અવાજ ઉઠાવતું નથી ? તેમણે જણાવ્યું હતું કે, લોકોે આ મુદ્દે દર વર્ષે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા કેમ પડે છે? આ ગંભીર ચિંતાનો વિષય છે. તેમણે પરાળનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, દિલ્હીના પ્રદૂષણને લઇને સતત એક વાત કહેવામાં આવે છે કે, આસપાસના પ્રાંતોમાં પરાળ બાળવાથી દિલ્હીમાં પ્રદૂષણ વધે છે. અમે માનીએ છીએ કે પરાળ બાળવું ખોટું છે અને અમે તેનું સમર્થન કરતા નથી. પણ તેની સાથે સંકળાયેલા કેટલાક આર્થિક મુદ્દાઓ પર સરકારે કામ કરવાની જરૂર છે. તિવારીએ કહ્યું કે, જો પ્રદૂષણ માટે માત્ર ખેડૂત ગુનેગાર હોય તો તમે ભારતના ખેડૂતો સાથે અન્યાય કરી રહ્યા છો. દિલ્હીમાં ૪૧ ટકા પ્રદૂષણ વાહનોથી થાય છે જ્યારે ૧૮.૬ ટકા ઇન્ડસ્ટ્રી, ૪ થર્મલ પાવર પ્લાન્ટ, ૩.૯ ટકા કચરાથી પ્રદૂષણ થાય છે. તેમણે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ૧૯૭૨માં તેઓ એકલા નેતા હતા જેઓએ સંયુક્ત રાષ્ટ્રમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, પ્રદૂષણની આ સમસ્યા માત્ર વાયુ પ્રદૂષણ સુધી સીમિત નથી પણ નદીઓ અને હિમનદીઓ સુધી તેનો પ્રભાવ છે જે ચિંતાજનક છે. આનો ઉકેલ સંસદે મળીને શોધવો જોઇએ. બીજેડીના સાંસદ પિનાકી મિશ્રાએ પણ કહ્યું કે, માત્ર પરાળ બાળવાનું પ્રદૂષણ કારણ નથી અન્ય પણ કારણો છે.