(એજન્સી) નવી દિલ્હી, તા. ૯
પશ્ચિમ બંગાળ કોંગ્રેસ અધ્યક્ષ સોમેન મિત્રાએ લોકસભામાં ચૂંટણીની જવાબદારી સ્વીકારત નૈતિક ફરજ તરીકે પોતાનું રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. પક્ષના આંતિરક સૂત્રોના જણાવ્યા મુજબ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના બંગાળના પ્રભારી ગૌરવ ગોગોઈએ મિત્રાનું રાજીનામું સ્વીકારવા ઇન્કાર કર્યો હતો અને તેમને પ્રદેશ અધ્યક્ષ પદે યથાવત્‌ રહેવા વિનંતી કરી હતી. પશ્ચિમ બંગાળમાં ૪૨ લોકસભા બેઠકો પૈકી કોંગ્રેસનો ફક્ત બે જ બેઠકો પર વિજય થયો હતો જ્યારે ૨૦૧૪માં કોંગ્રેસની ચાર બેઠકો પર જીત થઈ હતી. કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીએ ગત સપ્તાહે રાજીનામું આપ્યા બાદ તેમણે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ દેખાવની જવાબદારી સ્વીકારી હતી અને ત્યારબાદ કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થયો હતો. બંગાળ કોંગ્રેસ અધ્યક્ષ મિત્રાએ ૨૪ મેના જ પોતાના પદેથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જો કે તેમના સાથીદારોએ તેમને અટકાવ્યા હતા. જો કે રાહુલ ગાંધીના રાજીનામા બાદ મિત્રાએ પણ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોના મતે સોમવારે ગોગોઈ મિત્રાને મળ્યા હતા અને તેમણે રાજીનામું સ્વીકાર્યું નહીં હોવાનું જણાવ્યું હતું. ગોગોઈએ જણાવ્યું કે, નવા રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ્યની સમિતિઓનું ગઠન કરશે અને પ્રદેશ અધ્યક્ષ અંગેનો નિર્ણય પણ ત્યારબાદ લેવાશે.