(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ દ્વારા સશસ્ત્ર દળોના જવાનો અને પુલવામાના શહીદોના નામ પર નિવેદનો કરીને રાજકારણ રમવા બદલ વિપક્ષ દ્વારા કરાયેલા જોરદાર વિરોધ છતાં ચૂંટણી પંચ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા ટીકાનો ભોગ બનનાર ચૂંટણીપંચનો સૂત્રો હવે જણાવી રહ્યા છે કે સશસ્ત્ર દળો પર રમાયેલા રાજકારણના કેસમાં જલદીથી કાર્યવાહી થશે. કમિશને સશસ્ત્ર દળોને ચૂંટણી પ્રચારથી દૂર રાખવા માટે તમામ રાજકીય પક્ષો તથા નેતાઓને પહેલાંથી જ નિર્દેશો આપી દીધા હતા. પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્રવાદને ચૂંટણીના મુખ્ય મુદ્દા બનાવીને ચૂંટણી પંચના આદેશોનો ભાજપે ઉલ્લંઘન કર્યો હતો.
ગઈકાલે પંચે જણાવ્યું હતું કે તે વડાપ્રધાન સહિત સંપૂર્ણરીતે આવી ઘટનાઓમાં હજુ તપાસ કરી રહ્યું છે. આજે ચૂંટણીપંચના સૂત્રો મુજબ જલદીથી કાર્યવાહી થશે. અમે ચૂંટણીઓ પૂરી થવાની રાહ જોઈશું નહીં. ચૂંટણી અધિકારીઓ વિગતો એકઠા કરી રહ્યા છે.
૧લી એપ્રિલે વડાપ્રધાને જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં શહીદ થયેલ જવાનના નામ પર વોટ આપવા માટે લોકોને સીધી અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ મહિનાના પ્રારંભમાં સુપ્રીમકોર્ટ દ્વારા આદર્શ ચૂંટણીની આચારસંહિતાના ભંગમાં નિષ્ક્રિય રહેવા માટે ચૂંટણી પંચની ઝાટકણી કાઢી હતી અને તે સફાળે જાગ્યું હતું.
ત્યારબાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી અને માયાવતીની સહિત ઘણા નેતાઓ પર ચૂંટણી પંચે હંગામી ધોરણે પ્રતિબંધો ખૂલ્યા હતા.