અમદાવાદ, તા.રપ
રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓ લોકોને સરળતાથી મળે તેવી વ્યવસ્થા માટે સંવેદનશીલતાથી વર્તવ ડીજીપીએ પોલીસને સૂચના આપી છે. જો કે લોકડાઉન થયા બાદ અત્યાર સુધીમાં રાજ્યમાં જાહેરનામાં ભંગના ૪૯૦ અને કવોરેટાઈન કાયદાના ભંગના ર૩૬ ગુના નોંધાયા છે. જેમાં ૮૯૭ લોકોની અટકાયત કરાઈ છે. જો કે એક જ દિવસમાં જાહેરનામાં ભંગના ૧૯૧ ગુના અને કનોરંટાઈન કાયદા ભંગના ૮૯ ગુના નોંધાયા છે. તેમાં કુલ ૩પ૩ લોકોની અટકાયત કરાઈ છે. લોકડાઉનની સ્થિતિમાં રાજ્યમાં સૌ નાગરિકોને દૂધ, શાકભાજી, ફળફળાદિ, અનાજ, કરિયાણું સહિતની આવશ્યક ચીજવસ્તુઓ સુચારૂ રીતે ઉપલબ્ધ થાય અને નાગરિકોને સરળતાથી આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા માટે સંવેદનશીલતાથી વર્તવા પોલીસને સૂચનાઓ આપી દેવામાં આવી છે તેમ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે. કોરોના વાયરસની સ્થિતિમાં જાહેર થયેલા દેશવ્યાપી લોકડાઉનને રાજ્યભરમાં આવકારદાયક પ્રતિસાદ મળી રહ્યો છે જે ખૂબ જ પ્રશંસનીય બાબત છે તેમ જણાવીને લોકડાઉન દરમ્યાન આવો જ સહકાર આગામી સમયમાં પણ મળતા રહે તેવી રાજ્યના પોલીસવડાએ નાગરિકોને અપીલ કરી છે. વધુમાં તેમણે કહ્યું કે, હાલમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે તેવા સંજોગોમાં લોકડાઉનનો અમલ સુવ્યવસ્થિત રીતે થઈ રહ્યો છે, તેમ છતાં જ્યાં હજુ પણ નાગરિકોનો સહકાર મળી રહ્યો નથી તે વિસ્તારમાં સખતાઈથી અમલ કરાવાઈ રહ્યો છે અને તે માટે પોલીસ વિભાગ સંપૂર્ણ સજ્જ છે.