(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.ર
રાજયમાં કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં લાવવા મુદ્દે સરકારની મદદ માટે રચાયેલ રાજયના નિષ્ણાત તબીબોની ટાસકફોર્સની આજે યોજાયેલી બેઠકમાં લોકોમાં કોરોનાનો ભય ઓછો થાય અને તેનું સંક્રમણ પણ વધતું અટકે તે મુદ્દે વૈજ્ઞાનિક રીતે ઉકેલ નિવારણ માટે પ્રયત્નશીલ હોવાનું તબીબોએ જણાવ્યું હતું. આ સાથે તબીબોએ સરકારને કોરોના નિયંત્રણ અંગે સુઝાવો પણ આપ્યા હતા.
રાજ્યમાં કોવિડ-૧૯ સંક્રમણ નિયંત્રણ ઉપાયો-સારવાર સૂચનો માટે સરકારને મદદરૂપ થવા રચેલા એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સની બેઠક મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગાંધીનગરમાં યોજાઇ હતી. એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સ સાથેની આ બેઠકમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તથા વિરષ્ઠ સચિવોએ અનલોક-ર દરમ્યાનની આગામી ૩૦ દિવસની સ્ટ્રેટેજી અને સારવાર પદ્ધતિની રણનીતિ અંગે વિચાર-વિમર્શ હાથ ધર્યો હતો. કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિની પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી. એક્સપર્ટ કમિટીના તજ્જ્‌ઞ તબીબોએ લોકોમાં કોરોના નિયંત્રણ અંગે વધુ જનજાગૃતિ માટે સુઝાવો આપવા સાથોસાથ અમદાવાદ મહાનગરમાં કોરોના સંક્રમણના ઘટતા જતા કેસોની પણ નોંધ લઇ તેને સુસંગત કોવિડ-૧૯ની નિયંત્રણ વ્યૂહ રચના વધુ સઘન બનાવવા અંગે પણ કેટલાક સૂચનો કર્યા હતા.
આ એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સના ખ્યાતનામ ડૉકટર્સ ડૉ. અતુલ પટેલ, ડૉ. તુષાર પટેલ, ડૉ. આર. કે. પટેલ, ડૉ. મહર્ષિ, ડૉ. દિલીપ માવલંકર, ડૉ. પંકજ શાહ, ડૉ. અમીબહેન પરીખ અને ડૉ. વી.એન.શાહ આ બેઠકમાં જોડાયા હતા.
આ એકસપર્ટ ગૃપ કોવિડ-૧૯ સામે વ્યૂહરચના, અમલીકરણ, દેખરેખ અને સુપરવિઝન તથા જાહેર આરોગ્ય-પબ્લીક હેલ્થને સુદ્રઢ કરવાના શોર્ટટર્મ, મિડીયમ ટર્મ તથા લોંગટર્મ ઉપાયો ભલામણો રાજ્ય સરકારને આપે છે. આ એક્સપર્ટ ગૃપે મુખ્યમંત્રી સાથેની બેઠકમાં જણાવ્યું કે, હવે લોકોમાં કોરોના અંગેનો ડર ઓછો થાય સાથો-સાથ તેનું સંક્રમણ પણ વધતું અટકે તેવા ઉપાયો અંગે પ્રચાર માધ્યમો સાથે આ તબીબો સમયાંતરે વાતચીત કરી વૈજ્ઞાનિક ઢબે સમસ્યાઓનું નિવારણ લાવવા પ્રયત્નશીલ છે. એટલું જ નહીં, આ એક્સપર્ટ ગૃપના તબીબો વ્યક્તિગત રીતે પણ રાજ્ય સરકાર સાથે કોવિડ-૧૯ સંક્રમણ નિયંત્રણ માટે સંકળાયેલા છે તેની વિગતો તેમણે આપી હતી. તદઅનુસાર, જૂદી-જૂદી કોવિડ હોસ્પિટલમાં ટેલી મેન્ટરીંગ, લોંગ-ટર્મ અને શોર્ટ-ટર્મ હેલ્થ ઇમ્પ્રુવમેન્ટ પ્લાન માટેના વર્કશોપ અને કોવિડ-૧૯ સાથે સંકળાયેલા બધા જ આરોગ્ય કર્મીઓને મોટાપાયે ઓનલાઇન તાલીમ આપવા સાથે આ તબીબો જોડાયેલા છે તેની ભૂમિકા આપી હતી.