(એજન્સી) તા.૮
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે લાઈવ વીડિયો પર એક પત્રકાર પરિષદને સંબોધતાં દેશભરમાં લૉકડાઉન અને કોરોના વાયરસની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર, મીડિયા અને વડાપ્રધાન મોદીએ સૌથી પહેલાં તો કોરોના વાયરસ અંગે લોકોમાં જે ભય પ્રસરી ગયો છે તેને દૂર કરવાની જરૂર છે નહીંતર લૉકડાઉનથી આપણને ક્યારેય મુક્તિ નહીં મળી શકે. લાઈવ વીડિયો ચેટ પર મીડિયાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોરોના વાઈરસ ભારત દેશની ૧ ટકા વસતીને જ નુકસાન પહોંચાડી શક્યું છે જ્યારે બાકીના ૯૯ ટકા લોકો માટે તે જોખમી બની શક્યો નથી. આ એક સ્વસ્થ વસતી છે અને કોરોના વાઈરસ તેમના માટે જોખમી નથી. આ જ વાઈરસની વાસ્તવિકતા છે અને માહિતી લોકો સુધી પહોંચાડવાની જરૂર છે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે સરકાર, વડાપ્રધાન મોદી અને આપણે સૌએ લોકો વચ્ચે પ્રસરી ગયેલા ભયને દૂર કરવા માટે એકજૂટ થઈને કામગીરી કરવી પડશે. નહીંતર આપણે આ લૉકડાઉનની સ્થિતિમાંથી કદાચ ક્યારેય બહાર નહીં આવી શકીએ. દેશના અર્થતંત્રને ફરી ધબકતું કરવા માટે આ જરૂરી પણ છે. આશરે ભારતમાં ૫૬,૦૦૦ લોકો કોરોના વાયરસથી ચેપગ્રસ્ત થયા છે અને ૧,૯૦૦ જેટલાં લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. આ યોગ્ય સમય નથી એકબીજાની ટીકા કરવાનો. આપણો દેશ હાલ સંકટમાં છે. તેમણે કહ્યું કે આપણે ફક્ત પીએમઓના ખભા પર સંપૂર્ણ જવાબદારી ન છોડી શકીએ. આપણે કોરોના વાયરસ વિરૂદ્ધની લડાઈમાં રાજ્ય સરકારોને પણ ભાગીદાર બનાવવા જોઈએ.

PM કેર્સ ફંડનું ઓડિટ થવું જોઈએ, અર્થતંત્રને પુનઃ જીવિત કરવા ન્યાય યોજના અપનાવવી જોઇએ : રાહુલ ગાંધી

જ્યારે દેશમાં ઝડપી રીતે નાણાંકીય સંકટ વધતું જઈ રહ્યું છે અને સરકાર પ્રવાસી મજૂરોના સંકટનો સામનો કરવામાં નિષ્ફળ સાબિત થઇ રહી છે ત્યારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારને સલાહ આપી હતી કે તે ન્યાય યોજનાને અપનાવે. રાહુલ ગાંધીએ કહ્યું કે જો અર્થતંત્રને પુનઃજીવિત કરવું હોય તો પ્રત્યક્ષ રોકડ ટ્રાન્સફર યોજના ન્યાયને અપનાવવાથી મહદ અંશે સરકાર અને અર્થતંત્રને લાભ થશે. વીડિયો કોન્ફરન્સિંગને સંબોધતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકારે તાત્કાલિક ધોરણે દેશના ૫૦ ટકા પરિવારના ખાતામાં રોકડ નાખવી જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે ન્યાય યોજનાને અપનાવવા સરકારે આગળ આવવું જોઇએ અને લોકોના ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરવા જોઇએ. દેશમાં ૫૦ ટકા ગરીબ પરિવારોના ખાતામાં આ પૈસા તાત્કાલિક ધોરણે ટ્રાન્સફર કરી દેવા જોઈએ. તેનો ખર્ચો પણ એટલો વધારે નથી કે પોષાય નહીં. સરકારે ફક્ત ૬૫૦૦૦ કરોડ રૂપિયાનો જ ખર્ચ કરવો પડશે. તેનાથી ગરીબો અને પ્રવાસી મજૂરોની મદદ થઇ જશે. આ કપરાં સમયમાં તેમને આ પૈસા વરદાન સાબિત થશે. તેમણે કહ્યું કે, આ રોગ સામે કોઈ મજબૂત નેતા ઊભો રહે તેવી અમારી માગ છે. ભલે પછી તે કલેક્ટર હોય કે ખેડૂત હોય. સરકાર કહે છે કે રાષ્ટ્રીય સ્તરે ઝોન નક્કી થવા જોઈએ જ્યારે સીએમ કહે છે કે તે રાજ્ય સ્તરે નક્કી થવા જોઈએ. આજે દેશના વાતાવરણમાં ભય ચોક્કસપણે દેખાઈ આવે છે.