(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.૨૦
ધોળકા ખાતે કુબેરજીનાં મંદિર (ખારા કૂવા)થી પંચશીલ-મોટી ગોલવાડથી જી.કે.મ્યુ. દવાખાનાથી રાધનપુરીવાડ સુધીનાં મેઈન રોડ ઉપર કાયમ ચોમાસા જેવી જ હાલત હોય છે. આ વિસ્તારમાં ઘણાં લોકો પીવાના પાણીનો દુરૂપયોગ કરે છે. ખુલ્લા નળમાંથી કિંમતી અને અમૂલ્ય પાણીનો વેડફાટ થાય છે. જ્યાં સુધી મ્યુ. બોરમાંથી પાણી વિતરણ ચાલુ રહે છે ત્યાં સુધી ખુલ્લા નળો વાટે પાણી મેઈન રોડ ઉપર વહે છે. ગટરોમાં જે પાણી જાય છે તે ઓવરફ્લો થઈને પાછું જાહેર માર્ગ પર ભરાય છે. આથી કુબેરજીના મંદિરથી રાધનપુરીવાડ સુધીના મેઈન રોડ કાદવ કિચડ થાય છે.
આથી સ્થાનિક રહીશો ઉપરાંત આ રોડ પરથી પસાર થતાં રાહદારીઓ, વાહનચાલકો તથા આર.કે. વીડિયો, લકીચોક, પટેલ મેડિકલ ચોક સહિતના બજાર વિસ્તારનાં દુકાનદારો ત્રાહિમામ પોકારી ગયા છે. આ બાબતને ગંભીર ગણી આજે ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર એસકે કટારાની સૂચનાથી ધોળકા નગરપાલિકા તંત્ર દ્વારા લાલ આંખ કરી જીકે મ્યુ. દવાખાનાથી કુબેરજી મંદિર સુધી પીવાના પાણીનો વેડફાટ કરનારાઓના ભૂતિયા નળ કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા.