(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.૨૯
રાધનપુર તાલુકાના નવા પોરાણા, વિજયનગર અને અલ્હાબાદ ગામોને પાણી પૂરૂં પાડવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા ધરવડી ગામેથી પાણીની પાઈપલાઈન નાખવામાં આવેલ છે. ખેતરોમાંથી પસાર થતી પીવાના પાણીની પાઈપલાઈનમાં ખેડૂતો દ્વારા ખેતરોમાં ગેરકાયદેસર કનેક્શનો લેવામાં આવતા ત્રણ ગામોમાં ઉનાળામાં પાણીની સમસ્યા ઊભી થવા પામી હોવાનું ગામના લોકોએ જણાવ્યું હતું, જ્યારે અલ્હાબાદ ગામની મહિલાઓના જણાવ્યાનુસાર ઉનાળામાં પાણીની પાઈપલાઈનમાં પીવાનું પાણી આવતું નથી અને આજુબાજુમાં નજીક ક્યાંય ખેતરમાં બોર પણ નથી. એટલે અમારે ગામ તળાવનું ગંદુપાણી પીવા માટે નાછૂટકે ઘરે લઈ જવું પડે છે. ગામના માલેતુજારો રૂપિયા ખર્ચીને ટેન્કર મંગાવે છે. પરંતુ ગરીબ માણસો પાસે પૈસા ના હોવાને કારણે ગામ તળાવનું પાણી પીવું પડતું હોવાનું તળાવે પાણી ભરવા આવેલા મંગુબેને જણાવ્યું હતું, જ્યારે અલ્હાબાદના કાંતિભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, ગામને પાણી પૂરૂ પાડતી પાણીની પાઈપલાઈનમાં ખેડૂતોએ ખેતરોમાં ગેરકાયદેસર કનેક્શનો કરીને ખેતરોમાં પાણીનો વેડફાટ કરતા હોવાને કારણે ત્રણ ગામોને પાણી મળતું નથી અને આ બાબતે અમોએ ગામના સરપંચ તેમજ તાલુકાની કચેરીમાં રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા પાણીની સમસ્યાનું કોઈ જ નિવારણ લાવવામાં આવેલ નથી, જેના કારણે ગામની મહિલાઓને પાણી ભરવા ખરા તાપમાં માથે બેડા લઈને દૂર-દૂર સુધી રખડવું પડે છે. ગામને પાણી પૂરૂં પાડતી પાઈપલાઈનમાં ખેડૂતોએ કરેલા ગેરકાયદેસર કનેક્શનો કાપવામાં આવે તો જ ત્રણેય ગામોના લોકોને પૂરતું પાણી મળી રહેશેે, તેવું પણ લોકોએ જણાવ્યું હતું. જો ગામમાં પાણીની સમસ્યાનું નિવારણ તાત્કાલિક લાવવામાં નહીં આવે તો તળાવનું દુષિત પાણી પીવાને કારણે ગામ લોકોમાં ભયંકર રોગચાળો ફેલાવવાની દહેશત હોવાનું લાલાભાઈએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, તાલુકા વિકાસ અધિકારી અનિયમિતતાને કારણે સમસ્યાઓનું નિરાકરણ થતું નથી.