અમદાવાદ, તા.૨૫
લોકડાઉન હોવા છતાં લોકો બહાર નીકળી રહ્યા છે. ત્યારે પોલીસ તેમને મેથીપાક ચખાડી રહી છે. પરંતુ ઝઘડિયાના ધારાસભ્યએ એવી પોસ્ટ કરી દીધી કે લોકો ચોંકી ઊઠ્યા છે. ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ લોકડાઉનનું પાલન નહીં કરનારા માટે સરકાર શૂટ એર સાઈટના ઓર્ડર આપે તેવી પોસ્ટ કરી છે. ઝઘડિયાના બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે લોકડાઉનનું પાલન ન કરે તો સરકારે શૂટ એટ સાઈટનો ઓર્ડર આપવો જોઈએ. હાલ તેમની સોશિયલ મીડિયાની પોસ્ટ ઘણી વાયરલ થઈ રહી છે ત્યારે પોસ્ટમાં અનેક લોકોએ તેમનો વિરોધ કરતો વળતો જવાબ પણ આપ્યો હતો. અત્રે નોંધનીય છે કે, કોરોના વાયરસના ગુજરાતમાં ૩૮ કેસ અત્યાર સુધી નોંધાયા છે. ઉપરાંત એકનું મોત પણ થયું છે. ત્યારે લોકડાઉનને સફળ બનાવવા પોલીસ ડંડાવાળી કરી રહી છે. ત્યારે એક ધારાસભ્ય દ્વારા સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરવામાં આવે તે કેટલું યોગ્ય કહેવાય ?