(સંવાદદાતા દ્વારા) રાજપીપળા, તા.૩૦
નાંદોદ તાલુકાની વાઘેથા સેવા સ.મ.લી દ્વારા ગામના જ ખેડૂતો પાસેથી લોન માફીના નામે દસ્તાવેજો ઉઘરાવી એમની જાણ બહાર લાખોની લોન લઈ છેતરપિંડી કરી હોવાના આક્ષેપ ખુદ ખેડૂતોએ જ લગાવતા ખળભળાટ મચી ગયો છે. બીજી બાજી બેંક દ્વારા લોન ભરપાઈની નોટિસો અપાતા ખેડૂતો દ્વિધામાં મુકાયા છે. આ મામલે ખેડૂતોએ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
નાંદોદ તાલુકાના વાઘેથા ગામના ૧૨થી વધુ ખેડૂતોએ આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે વાઘેથા ગ્રામપંચાયતના માજી સરપંચના પતિ રઘુ મનસુખ વસાવા વાઘેથા સેવા સ.મ.લીના સેક્રેટરી નગીન ગોરધન વસાવાએ અમારી પાસે આવી જણાવ્યું હતું કે તમારા વડવાઓએ જે-તે સમયે બેન્કમાંથી લોન લીધી હતી એ દેવું સરકારે માફ કરવાનો નિર્ણય કર્યો છે જેથી તમારે બેંકની પાસબુક, પોતાની સહી સાથેના કોરા ચેકો આપો. તો અમે લોન માફીની કાર્યવાહી કરવા માટે વિશ્વાસે એમને આ દસ્તાવેજો આપ્યા હતા. ત્યારે હાલમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો.ઓ.બેંક દ્વારા ૨૦૧૬-૧૭માં ખેતી પાક માટે લીધેલી ૧૯,૯૪,૦૦૦ રૂપિયાની લોન ૧૪% વ્યાજ સાથે ૨૫,૭૦,૯૩૯ રૂપિયા ભરપાઈ કરવા રાજપીપળા શાખાએ અમને નોટિસ આપી છે. ખરેખર આ લોન અમે લીધી જ નથી. અમારા તમામ દસ્તાવેજો અત્યારે પણ વાઘેથા સેવા સ.મ.લીના સેક્રેટરી પાસે છે જે માંગવા જતા અમને તેઓ ધમકી આપે છે. ત્યાર બાદ અમે તમામ આ મામલે બેંકના તપાસ માટે ગયા તો ત્યાં પણ અમને કોઈ માહિતી ન મળી. રઘુ વસાવા અને નગીન વસાવાએ અમારા દસ્તાવેજોને આધારે અમને અંધારામાં રાખી લોન લીધી છે જે અમે કેવી રીતે ભરીએ.આ બન્ને સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
આ મામલે વાઘેથા ગ્રામ પંચાયતના માજી સરપંચના પતિ રઘુ વસાવાએ જણાવ્યું હતું કે આ ખેડૂતોએ ઘણા સમય પહેલા લોન લીધી હતી. જે લોન પલટાવી ભરપાઈ કરવા ફરી લોન લઈ પહેલાની લોન ભરપાઈ કરાઈ છે. લોન બાબતે કોઈને પણ અંધારામાં નથી રખાયા. હવે લોન લીધી હોય તો બેંક પોતાની પાસે જ દસ્તાવેજો રાખવાની.આ આક્ષેપો રાજકીય દ્વેષ ભાવ વાળા છે.