(એજન્સી) સીતાપુર, તા.રર
ઉત્તરપ્રદેશના સીતાપુરમાંથી હૃદય ધ્રૂજાવી નાંખે તેવી ઘટના સામે આવી છે. અહીંયા ભઉરી ગામના એક દલિત ખેડૂતની ટ્રેકટર નીચે કચડીને હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે, ફાયનાન્સ કંપનીના લોન રિકવરી એજન્ટ્‌સ પર દલિત કિશાનને ટ્રેકટરથી કચડીને મારી નાંખવાનો આરોપ મૂકયો છે. આ આરોપ મૃત ખેડૂતના ભાઈએ મૂકયો છે. સીતાપુરના સહાયક પોલીસ અધિક્ષક મારતંડ પ્રકાશસિંહે જાણકારી આપી છે કે પાંચ એજન્ટ્‌સની વિરૂદ્ધ આ કેસમાં એફઆઈઆર દાખલ કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે જણાવ્યું કે, ભઉરી ગામના ૪પ વર્ષીય જ્ઞાનચંદ્ર નામના ખેડૂતે વર્ષ ર૦૧પમાં ફાયનાન્સ કંપની પાસેથી પ લાખ રૂપિયાની લોન લીધી હતી તેણે ૪ લાખ રૂપિયા ડિસેમ્બર ર૦૧૭ સુધી ચૂકવી દીધા હતા અને બાકીના પૈસા પણ ટૂંક સમયમાં જ ચૂકવવાની વાત કરી હતી. જ્ઞાનચંદ્રની પત્ની જ્ઞાનવતીએ જણાવ્યું કે તેના પતિએ આ વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં પણ ૩પ,૦૦૦ રૂપિયા કંપનીને આપ્યા છે પરંતુ તેમ છતાંય કંપનીએ રિકવરી નોટિસ જારી કરી દીધી. પોલીસે જણાવ્યું કે, ફાયનાન્સ કંપનીના એજન્ટસ બાકીની રકમ લેવા માટે શનિવારે જ્ઞાનના ઘરે પહોંચ્યા હતા. મૃત ખેડૂતના ભાઈએ જણાવ્યું કે તે સમયે જ્ઞાન ખેતરમાં કામ કરી રહ્યો હતો અને ટ્રેકટર પણ તેની પાસે હતો. એજન્ટ્‌સ સીધા ખેતરમાં પહોંચી ગયા અને જ્ઞાન પાસે બાકીના પૈસા માંગવા લાગ્યા. એજન્ટ્‌સે ખેડૂતને કહ્યું કે, કાં તો તે પૈસા આપી દે નહીં તો તે લોકો ટ્રેક્ટર જપ્ત કરી લેશે. આ બાબત પર જ્ઞાને કહ્યું કે તે જાન્યુઆરીના અંત સુધીમાં ૬પ,૦૦૦ રૂપિયા ચૂકવી દેશે. પરંતુ તેમ છતાંય એજન્ટ્‌સ માન્યા નહીં અને ટ્રેક્ટરની ચાવી છીનવી લીધી. એજન્ટ્‌સને ટ્રેક્ટર લઈ જતાં રોકવા માટે જ્ઞાન બોનેટ સાથે લટકી ગયો પરંતુ તેમ છતાંય તેમણે ટ્રેક્ટર ચાલુ કરી દીધું. ત્યારે અચાનક તેનો હાથ બોનેટ પરથી લપસી ગયો અને તે ટ્રેક્ટર નીચે આવી ગયો, જેનાથી ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું. બીજી તરફ આ ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ ધરણાનું આયોજન કર્યું છે અને પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ પણ પોલીસને સોંપવાની ના પાડી દીધી છે. જ્યારે જિલ્લા અને પોલીસ પ્રશાસનના વરિષ્ઠ અધિકારી ગામમાં પહોંચ્યા અને કિસ્સાની તપાસ કરવાનું આશ્વાસન આપ્યું ત્યારે ગ્રામજનોએ ધરણા બંધ કર્યા હતા.