અમદાવાદના ત્રણ ગઠિયાઓએ ટેલિગ્રામ એપ ઉપર લોકોને લાલચ આપી રૂા.૧૮ લાખની છેતરપિંડી આચરી : અંતે પોલીસના સકંજામાં

અમદાવાદ, તા.૯

“લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે” આ કહેવતને સાર્થક કરતો કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે જેમાં સસ્તા ભાવે ઈલેકટ્રીકલ  વસ્તુઓ લેવા જતાં ૧૧૦૦ લોકોને ત્રણ ગઠિયાઓએ રૂા.૧૮ લાખનો ચૂનો ચોપડ્યો છે. જો કે ગઠિયાઓ ટેલિગ્રામ એપ્લિકેશન ઉપર જાહેરાત કરી સોશિયલ મીડિયા મારફતે લોકોને આકર્ષતા હતા અને સસ્તા ભાવે મોબાઈલ એલઈડી જેવો સામાન આપવાની લાલચ આપી પ૦ ટકા જેટલું પેમેન્ટ ઓનલાઈન  ભરાવી દેતા ત્યારબાદ તેમને બ્લોક કરી છેતરપિંડી આચરતા હતા. વિગતવાર વાત કરીએ તો સસ્તાં ભાવે મોબાઈલ, લેપટોપ અને એલઈડી ટીવી જેવા ઇલેક્ટ્રોનિક સાધનો આપવાની ટેલિગ્રામ એપ્લિકેશન પર જાહેરાત મૂકી છેતરપિંડી કરતા ત્રણ શખ્સની સોલા પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ ઓનલાઇન પૈસા કયુંઆર કોડ સ્કેન કરી પોતાના ખાતામાં જમા કરાવતા હતા બાદમાં ત્રણ દિવસે વસ્તુ આવી જશે કહી ફોન બ્લોક કરી દેતાં હતાં. ૧૧૦૦ લોકો સાથે રૂ. ૧૮ લાખની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. સોલા પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે. સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ કામ કરતાં  પીએસઆઇ જે.જે.રાણાને બાતમી મળી હતી કે, ચાંદલોડીયા વિશ્વકર્મા મંદિર પાસે શ્રીજી પાન પાર્લર પર કેટલાક શખ્સ ટેલિગ્રામ એપ્લિકેશન પર સસ્તા ભાવે મોબાઈલ, લેપટોપ અને એલઈડી ટીવી જેવા ઇલેક્ટ્રોનિક સાધનો આપવાની જાહેરાત મૂકી છેતરપિંડી કરે છે. જેથી પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતા. પોલીસે પૂછપરછ કરતા ટેલિગ્રામમાં પોતાની ચેનલ બનાવી મોબાઈલ, લેપટોપ અને એલઈડી ટીવી જેવા ઇલેક્ટ્રોનિક સાધનો આપવાની લાલચ આપતા અને જો ગ્રાહક યુઝરનેમ પર ક્લિક કરે તો મેસેજથી વાત કરતા હતાં. લાલચ આપી સરનામું પૂછી લેતા હતા અને ૫૦ ટકા પેમેન્ટ ફોન પે, ગૂગલ પેનો કયુંઆર કોડ મોકલી આપતા હતા. જેમાં ગ્રાહક પેમેન્ટ કરે એટલે ત્રણ દિવસ બાદ વસ્તુ આવશે તેમ કહી દેતા હતા અને જો ગ્રાહક ટેલિગ્રામમાં કોન્ટેક્ટ કરે તો નંબર બ્લોક કરતા હતાં. ત્રણ અલગ અલગ બેંકમાં પૈસા જમા થતા હતા. પોલીસે અનિષ જોશી (રહે. નવાવાડજ), વિશાલ શર્મા (રહે. ચાંદલોડીયા) અને ધ્રુવ હિંગોલ (રહે. ચાંદલોડીયા)ની ધરપકડ કરી છે. આરોપીઓએ ચાર મહિનામાં ૧૧૦૦ લોકો સાથે ૧૮ લાખની છેતરપિંડી કરી છે.