(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૯
સુપ્રીમ કોર્ટ દ્વારા જજ લોયા કેસમાં વધુ તપાસનો ઇનકાર કર્યા બાદ કોંગ્રેસે આજના દિવસને ભારતના ઇતિહાસનો કાળો દિવસ ગણાવ્યો હતો, કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાએ કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ જજ લોયાના મોત અંગે ઘણા સવાલોના જવાબ વણઉકેલ્યા રહી જશે. સૂરજેવાલાએ કહ્યું કે, જજ લોયાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘણા વિરોધાભાસ જોવા મળ્યા છે. તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમનું નામ પણ ખોટુ લખવામાં આવ્યું છે. તેઓ એવા કેસની સુનાવણી કરી રહ્યા હતા જેમાં ભાજપના હાલના અધ્યક્ષની સડોવણી હતી. કોંગ્રેસના વધુ એક વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, સ્વતંત્ર તપાસની અરજી ફગાવી દેવાતા આ મામલે વધુ સવાલો ઉઠવા પામશે. જ્યાં સુધી મામલાના તર્કપૂર્ણ પરિણામ નથી આવતા ત્યાં સુધી અનેક પ્રશ્નો જવાબ વિનાના રહી જશે. તેમણે કહ્યું કે, જવાબ વિનાના પ્રશ્નો સ્વતંત્ર તપાસ દ્વારા ઉકેલાઇ શકે છે. બીજી તરફ ભાજપે જજ લોયાના કેસ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રાહુલ ગાંધી પર નિશાન તાક્યું છે. ભાજપના પ્રવક્તાસંબિત પાત્રાએ કહ્યું હતું કે, આ અરજી રાજકીય હિત સાધવા માટે કરવામાં આવી હતી.અરજીમાં એક અદૃશ્ય શક્તિનો હાથ હતો. આ અદૃશ્ય શક્તિ કોઇ નહીં પરંતુ રાહુલ ગાંધી પોતે છે. પોતાના ફાયદા માટે કોંગ્રેસ ન્યાયપાલિકાને માર્ગ પર લઇ આવી. કોંગ્રેસ પાર્ટીએ આ માટે દેશને જવાબ આપવો જોઇએ. બીજી તરફ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ પર પરોક્ષ રીતે નિશાન સાધતા કહ્યું હતું કે, કોંગ્રેસે ભાજપના એક મોટા નેતાની છબિ બગાડવાન પ્રયાસ કર્યો છે પણ તેને એમાં કોઇ સફળતા મળી નહી. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અદાલતના નિર્ણયનું સ્વાગત કરતા કોંગ્રેસ પર દેશમાં નકારાત્મક માહોલ ઊભો કરવાનો આરોપ લગાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય અંગે ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, જજ લોયાના મોત અંગે તપાસ કરાવવાની માગ કરી કોંગ્રેસ પોતાને પ્રાસંગિક જાળવી રાખવાના પ્રયાસો કરતી રહી. તેમણે કોંગ્રેસને રાજકીય લડાઇમાં અદાલતનો ઉપયોગ નહીં કરવાની પણ સલાહ આપી હતી.