(એજન્સી) તા.૮
ગઇ સાલ ૨૮ નવે.ના રોજ દિવંગત જજ બી એચ લોયાના પુત્ર અનુજ લોયા સાથે બોમ્બે હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ મંજુલા ચેલુરે યોજેલી બેઠકની સુપ્રીમકોર્ટમાં કડક આલોચના કરી હતી. પિટિશનર બોમ્બે લોયર્સ એસોસિએશનના વકીલે એવો નિર્દેશ આપ્યો હતો કે મુખ્ય ન્યાયમૂર્તિ મંજુલા ચેલુરની આ વર્તણંૂક ગંભીર અનૌચિત્ય સમાન છે.
આ બેઠક ચેલુરની નિવૃત્તિના એક સપ્તાહ પૂર્વે યોજાઇ હતી. હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ અનુજ લોયાને બોલાવીને પોતાની નિવૃત્તિના થોડા દિવસો પૂર્વે શા માટે નિવેદન જારી કરવું જોઇએ ? એવું બોમ્બે લોયર્સ એસોસિએશનના વકીલ દુષ્યંત દવેએ બેંચને પૂછ્યું હતુંં. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ એએમ ખાનવિલકર અને ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડની બનેલી બેંચે જજ લોયાના ૨૦૧૪માં થયેલા મૃત્યુમાં સ્વતંત્ર તપાસની દાદ માગતી અરજી પર જોરદાર રજૂઆત કરનાર એડવોકેટ દુષ્યંત દવેને સાંભળ્યા હતા.
જસ્ટિસ ચેલુર સાથે યોજાયેલી બેઠક બાદ અખબારોમાં જારી કરાયેલા નિવેદનમાં લોયાએ જણાવ્યું હતુંં કે પોતાના પિતાના મૃત્યુમાં કોઇ મેલી રમત રમાઇ હોવા અંગે હવે તેમને કોઇ શંકા નથી અને તેથી તેઓ તપાસ ઇચ્છતા નથી. જસ્ટિસ ચેલુરની વર્તણૂકને નિર્લજ્જ રીતે સુયોજિત ગણાવીને દુષ્યંત દવેએ જણાવ્યું હતુંં કે લોયાના મૃત્યુમાં તપાસ ટાળવા માટે ન્યાયમૂર્તિઓ નિવેદનો જારી કરવા ઇચ્છે છે એ વાત લોકતંત્ર અને ન્યાયતંત્ર માટે કલંક સમાન છે.
અગાઉ દુષ્યંત દવેએ લોયાના મૃત્યુમાં કોઇ પણ શંકા ઊભી થાય એવા સંજોગો નથી એવું ૨૭ નવે. ૨૦૧૭ના રોજ ધી ઇન્ડિયન એક્સપ્રેસમાં આપેલી મુલાકાતમાં નિવેદન કરવાની બોમ્બે હાઇકોર્ટના અન્ય બે જજ જસ્ટિસ ભૂષણ ગવાઇ અને જસ્ટિસ સુનિલ સુક્રેની વર્તણૂક સામે પણ સવાલ ઉઠાવ્યો હતો. આ બંને જજ જ્યાં લોયાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા તે નાગપુરની મેડિટ્રીના હોસ્પિટલ ખાતે ગયા હતા. દુષ્યંત દવેએ પૂછ્યું હતુંં કે હાઇકોર્ટના વર્તમાન જજની શા માટે મુલાકાત લેવી જોઇએ ? આ વાત ખરેખર અત્યંત ચિંતાજનક છે. વર્તમાન જજ ક્લિનચીટ આપે છે અને બીજા દિવસે સત્તાવાર અહેવાલ તૈયાર કરવામાં આવે છે. દુષ્યંત દવેએ પૂછ્યું હતુંં કે મીડિયા સાથે વાત કરવા માટે બંને જજોએ ચીફ જસ્ટિસ કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની મંજૂરી લીધી હતી ? તેમણે એ બે જજોને પૂછ્યું હતુંં કે તમે સ્વતંત્ર તપાસથી કેમ ગભરાવ છો ?
પિટિશનરના એડવોકેટ દુષ્યંત દવેએ સુપ્રીમકોર્ટની બેંચ સમક્ષ જોરદાર દલીલ કરતા જણાવ્યું હતુંં કે અમે મૂળભૂત માળખાનું ખવાણ થઇ રહ્યું હોવાની વાત કરીએ છીએ જ્યારે અસાધારણ હકીકતો આપની સમક્ષ હતી ત્યારે તમે હંમેશા તપાસના આદેશ કર્યા છે. આ અદાલતની આ જ તો ભવ્યતા છે.