(એજન્સી) નવી દિલ્હી, તા.૯
સીબીઆઈના જજ બૃજગોપાલ લોયાના મોત અંગે આજે નવી દિલ્હી ખાતે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને ૧પ વિરોધ પક્ષોના ૧૧૪ સાંસદો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા અને નિષ્પક્ષ તપાસની માગણી કરી હતી. રાષ્ટ્રપતિને મળ્યા બાદ વિરોધ પક્ષના ઘણા સાંસદોએ પત્રકારોને જણાવ્યું હતું કે તેમણે સ્પેશિયલ સીબીઆઈ જજ બી.એચ. લોયાના ‘રહસ્યમય’ મૃત્યુ અંગે સુપ્રીમ કોર્ટના સીધા નિરિક્ષણવાળી સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચનાની માગણી કરી છે.
વિવિધ પક્ષોના ઘણા સાંસદો અને ધારાસભ્યોએ આ અંગે એક આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. રાષ્ટ્રપતિને મળ્યા બાદ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અમે ફક્ત એવી યોગ્ય તપાસની માગણી કરી છે કે જે સ્વતંત્ર માળખું ધરાવતી હોય અને અમને પરિણામ આપી શકે. આ અગાઉ વિપક્ષે જણાવ્યું હતું કે જસ્ટિસ લોયાના મૃત્યુ બાબતે ‘ઘણી થિયરીઓ’ ચાલી રહી હોવાથી સુપ્રીમ કોર્ટના નિરિક્ષણવાળી ‘સીટ’ જ આ મુદ્દાને ઉકેલી શકે છે.
ઉલ્લેખનીય છે કે પોતાના મૃત્યુ વેળાએ જસ્ટિસ લોયા ભાજપ પ્રમુખ અમિત શાહ જેમાં મુખ્ય આરોપી હતા તે સોહરાબુદ્દીન શેખ કથિત નકવી એન્કાઉન્ટરની કેસની સુનાવણી કરી રહ્યા હતા. એક ડિસેમ્બર ર૦૧૪ના રોજ હૃદય રોગના હુમલામાં તેમનું મૃત્યુ થયું હોવાનું હોસ્પિટલના રેકોર્ડમાં જણાવાયું છે.
રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપીને માગણી કરનારાઓમાં પંદરેક જેટલા વિરોધ પક્ષોના નેતાઓનો સમાવેશ થાય છે જેમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, કપિલ સિબ્બલ, ગુલામનબી આઝાદ, આનંદ શર્મા તેમજ સીપીએમ, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી વગેરે સહિત વિવિધ વિરોધ પક્ષના નેતાઓનો સમાવેશ થાય છે.