(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૧
કોરોના સંકટના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે વિવિધ ક્ષેત્રોમાં અનેક લોકોને નોકરીઓ ગુમાવવાનો વારો આવ્યો છે. આ અંગે સંસદમાં સરકારને સવાલ પૂછવામાં આવ્યો હતો. સરકારને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, લોકડાઉન દરમ્યાન ઓટો સેક્ટરમાં કેટલા લોકોએ નોકરીઓ ગુમાવી હતી. આ સવાલના જવાબમાં સરકારે આશ્ચર્યજનક રીતે જણાવ્યું હતું કે, તેમની પાસે આ અંગેના કોઈ આંકડા ઉપલબ્ધ નથી. સંસદમાં ભારે ઉદ્યોગ મંત્રીને આ સવાલ પૂછવામાં આવ્યો હતો. આ મંત્રાલયની જવાબદારી હાલ કેબિનેટ મંત્રી પ્રકાશ જાવડેકર પાસે છે. એવું પ્રથમ વખત નથી બન્યું જ્યારે, સરકારે લોકડાઉનની આર્થિક ક્ષેત્રો પર અસરનો આંકડો જાહેર ન કર્યો હોય. આ અગાઉ સરકાર પાસે લોકડાઉન દરમ્યાન આરોગ્ય ક્ષેત્રે કોરોનાના કારણે મૃત્યુ પામેલા કર્માચારીઓ અને પ્રવાસી મજદૂરોના મોતનો આંકડો પૂછવામાં આવ્યો હતો. જે અંગે પણ સરકારે કોઈ આંકડા નહીં હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસના નેતા સુરેશ નારાયણ અને ભારતીય સંઘ મુસ્લિમ લીગના નેતાએ પ્રકાશ જાવડેકરને પૂછયું હતું કે, શું કોરોના સંકડ દરમ્યાન ઓટો ક્ષેત્રે લાખો નોકરીઓ ગઈ છે? જો હા તો કઈ કંપની અને કયા રાજ્યમાં કેટલી નોકરી ગઈ છે. અને સરકારે બેરોજગાર થયેલા આ લોકોને ફરી રોજગારી મળી રહે તે માટે કેવા પગલાં ભર્યા છે. જે અંગે મંત્રાલય દ્વારા જણાવાયું હતું કે, તેમની પાસે આ અંગે કોઈ આંકડો નથી. આ અગાઉ શ્રમ મંત્રાલયે સંસદમાં જણાવ્યું હતું કે, પ્રવસી મજદૂરોની મોતનો આંકડો ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં વળતર આપવાનો સવાલ જ નથી ઊઠતો.