(એજન્સી) તા.ર૧
ચોરીના એક વિચિત્ર કેસમાં, દિલ્હીના એક ઘરેણાના શો રૂમમાં એક પુરૂષ પર્સનલ પ્રોટેકિટવ ઈકિવપમેન્ટ (પીપીઈ)ની કિટ પહેરીને ઘૂસી ગયો હતો અને ૧૩ કરોડ રૂપિયાની કિંમતનું રપ કિલોગ્રામ સોનું ચોરી લીધુ હતું, એમ પોલીસે જણાવ્યું. તેની ધરપકડ થઈ ચૂકી છે. સ્ટોરના સીસીટીવી ફુટેજમાં મોહમ્મદ શેખનૂર તરીકે ઓળખાયેલો ચોર પીપીઈ કિટ પહેરીને સ્ટોરમાં પ્રવેશતો દેખાય છે.પોલીસે કહ્યું કે બાજુના મકાનના ધાબા પરથી તે કૂદયો હતો. ચોરીના સમયે શો રૂમ ખાતે પાંચ સશસ્ત્ર સુરક્ષા કર્મીઓ ફરજ પર હતા. જો કે બુધવારે વહેલી સવારે જયારે ચોરીની ઘટના બની ત્યારે તેમને ખબર પડી નહોતી. સર્વેલન્સ કેમેરાની અન્ય ફુટેજમાં તે ઘરેણાને શોધતો દેખાય છે. જયારે બીજી બાજુ જવા માટે તે ટેબલ પર ચઢે છે. આ શખ્સ ચોરેલુ સોનું રિક્ષામાં લઈ ગયો હતો. તે કર્ણાટકના હુબલી શહેરનો વતની છે. તે દક્ષિણ દિલ્હીમાં કાલ્કજીમાં એક ઈલેકટ્રોનિકસની દુકાનમાં કામ કરે છે. જે ઘરેણાના શોરૂમથી થોડાક અંતરે જ છે. અધિકારીઓએ જણાવ્યું કે તે મંગળવારે રાત્રે ૯ઃ૩૦ વાગ્યે એકલો શો રૂમમાં ઘૂસી ગયો હતો અને લગભગ ત્રણ વાગ્યે બહાર નીકળી ગયો હતો. પોલીસ આ બનાવની વધુ તપાસ કરી રહી છે.