(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૪
શું પવિત્ર કુર્આન, હદિષ (હઝરત મોહંમદ (સ.અ.વ.)ના ઉપદેશો) અને અરબી અથવા પર્શિયન ભાષાના ઈસ્લામિક સાહિત્ય જિહાદી સાહિત્ય કહેવાય ? ભારતમાં દાઢી વધારવી એ મુસ્લિમો માટે ગુનો છે ? માનો કે, ના માનો પરંતુ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં દરોડા દરમિયાન રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા જપ્ત કરાયેલ આ પ્રકારના સાહિત્યને જિહાદી સાહિત્ય તરીકે બતાવાયું છે. ઉપરાંત તેમને અલ કાયદા સાથે સંબંધિત બતાવી છે ? શું તમે માની શકો કે, જેની પાસે મલ્ટીમીડિયા સેલફોન નથી તે આતંકવાદી પ્રવૃત્તીઓ ચલાવવા માટે તેના ફોન પર વોટ્‌સએપ ગ્રુપ બનાવી શકે ? જેના બેન્કના ખાતામાં રૂા.૨૫૦ હોય શું તે આતંકવાદી પ્રવૃત્તીઓ કરી શકે ? ઈલેક્ટ્રિકના કામમાં વપરાતા ડ્રિલમશીનને ખતરનાક હથિયાર તરીકે દર્શાવી શકાય ? શું ઈલેક્ટ્રિશિયન દ્વારા પહેરાતાં સુરક્ષા જેકેટને બૂલેટપ્રુફ જેકેટ કહી શકાય ? શું તપાસ એજન્સી ટોઈલેટ માટે બનાવાયેલી ટેન્કને ટનલ કહી શકે ?
કોઈપણ માની ન શકે કે, એનઆઈએ દ્વારા આ તમામ આરોપો ૧૧ યુવાનો વિરૂદ્ધ લગાવવામાં આવ્યા છે અને અલ કાયદા સાથે સંડોવણી દર્શાવી ધરપકડ કરી છે. જેમાં એક યુવક તો માનસિક રીતે અસ્થિર છે. કેસની વિગત અનુસાર એનઆઈએ મુર્શિદાબાદના વિવિધ સ્થળો પરથી ૬ લોકોની અટકાયત કરી છે અને તેમના સંબંધ વૈશ્વિક આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરાયેલા સંગઠન સાથે બતાવાયા છે. અન્ય ત્રણ કેરળમાં રહેતા પશ્ચિમ બંગાળના લોકોની પણ ધરપકડ કરી છે. એનઆઈએએ દાવો કર્યો છે કે, વિવિધ સ્થળો પર આતંકવાદી પ્રવૃતી કરવા આ લોકો યોજના ઘડી રહ્યાં હતા. જેમાં દિલ્હીના કેટલાંક વિસ્તારો પણ સામેલ છે. એનઆઈએએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, આ લોકોને પાકિસ્તાનના અલ-કાયદાના આતંકીઓ દ્વારા સોશિયલ મીડિયા અને અન્ય રીતે તાલીમ અપાય છે. બીજી તરફ આ લોકો પાસે મલ્ટીમીડિયા ફોન પણ નથી. તેઓ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી શકતા નથી. એનઆઈએએ એવો પણ દાવો કર્યો છે કે, દેશના વિવિધ ભાગોમાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રી પહોંચાડવા તેઓએ અનેક શહેરોમાં પ્રવાસ કર્યો હતો. જો કે, એજન્સી એ જાણી શકી નથી કે, હથિયારો કોણ પહોંચાડી રહ્યાં છે અને મોટું આતંકવાદી ષડયંત્ર કેવી રીતે બહાર આવ્યું. પકડાયેલાઓમાં મુર્શિદ હસન, યાકુબ બિસ્વાસ, મુશર્રફ હુસેન, નજમુશ શાકિબ, અબુ સુફિયાન, મેનુલ મોન્ડલ, લુયાન અહેમદ, અલ-મામુમ કમાલ, અતીકુરરહેમાન, અબ્દુલ મોમીન અને શમીમ અન્સારીનોે સમાવેશ થાય છે. આ તમામ લોકો મૂળ મુર્શિદાબાદના રહેવાસી છે.