એક મહિનાથી મેઈન્ટેનન્સના નામે માલદીવ ગયેલું સી-પ્લેન ફરી તા.૩૦ ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે જેના પગલે સી-પ્લેન મંગળવારે સવારે ગોવા થઈ બપોર બાદ અમદાવાદ પરત ફર્યું છે. એરલાઈન્સ દ્વારા આ સર્વિસ માટે ૫૦ વર્ષ જૂનું એરક્રાફ્ટ મંગાવવામાં આવતા શરૂઆતથી જ આ સી-પ્લેન વિવાદમાં રહ્યું હતું. લગભગ એક સપ્તાહ સુધી સી-પ્લેન ઓપરેટ થયા બાદ મેઈન્ટેનન્સના નામે બે દિવસ સુધી બંધ કરી દેવાયું હતું. ત્યારબાદ ફરી ૨૮ નવેમ્બરથી એરલાઈન્સ દ્વારા મેઈન્ટેનન્સના નામે સર્વિસ બંધ કરી એરક્રાફ્ટ માલદીવ મોકલી દેવામાં આવ્યું હતું. એરલાઈન્સે અગાઉ ૧૫ ડિસેમ્બર અને એ પછી ૨૭ ડિસેમ્બરે સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી. જો કે, તેમાં પણ ત્રણ દિવસનો વિલંબ થયો હતો અને હવે ૩૦મી ડિસેમ્બરે શરૂ કરવાની જાહેરાત કરી છે, પરંતુ આ પ્લેન કેટલું ટકે છે તે તો આવનાર સમય જ બતાવશે.