(એજન્સી) નવી દિલ્હી, તા.૫
વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એક અઠવાડિયા પહેલા સુપ્રીમ કોર્ટે તેમને ન્યાયાધીશ વિરુદ્ધ ટ્‌વીટ કરવા બદલ ગુનાહિત તિરસ્કાર બદલ દોષિત ઠેરવ્યા હતા અને તેમના પર એક રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જ્યારે સુપ્રીમ કોર્ટની આ સજાને પ્રતીકાત્મક માનવામાં આવી હતી, ત્યારે ઘણા લોકો દ્વારા તેને પ્રશાંતનો વિજય માનવામાં આવતો હતો. હવે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. બીસીઆઈએ કહ્યું છે કે પ્રશાંતના ન્યાયતંત્ર પર કરવામાં આવેલ ટ્‌વીટોની ઊંડાણમાં તપાસ કરવામાં આવશે. વકીલો અને કાનૂની શિક્ષણની નિયમનકારી સંસ્થા બીસીઆઈએ શુક્રવારે કહ્યું કે તેણે બાર કાઉન્સિલ ઓફ દિલ્હીને આ મામલાની તપાસ કરવા આદેશ આપ્યો છે અને કાયદા અને નિયમો અનુસાર તેના પર નિર્ણય લેવા કહ્યું છે. નોંધનીય છે કે પ્રશાંત ભૂષણ વકીલ તરીકે દિલ્હી બાર કાઉન્સિલમાં જ નોંધાયેલ છે. એડવોકેટ કાયદાની કલમ ૨૪એ હેઠળ જો કોઈ વકીલ નૈતિક ભ્રષ્ટાચારને લગતા ગુનામાં દોષી સાબિત થાય છે, તો તે બે વર્ષ માટે કાયદેસર રીતે વકીલાત કરી શકતો નથી. બાર કાઉન્સિલે જણાવ્યું હતું કે જનરલ કાઉન્સિલે ગુરુવારે સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશો – જસ્ટીસ અરૂણ મિશ્ર, જસ્ટિસ બી.આર. ગવાઈ અને જસ્ટિસ ક્રિષ્ના મુરારીના નિર્ણયની ચર્ચા કરી હતી, જેમાં ભૂષણને દોષી ઠેરવવામાં આવ્યા હતા અને સાંકેતિક દંડ આપવામાં આવ્યો હતો . કાઉન્સિલ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “કાઉન્સિલનો મત છે કે પ્રશાંત ભૂષણ દ્વારા કરવામાં આવેલ ટ્‌વીટ્‌સ અને નિવેદનો અને આ મામલે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા માટે સંપૂર્ણ અભ્યાસ અને પરીક્ષાની જરૂર છે. બીસીઆઈએ સ્પષ્ટ કર્યું હતું કે એડવોકેટ કાયદા, ૧૯૬૧ હેઠળ હાલમાં બંધારણીય જવાબદારીઓ, અધિકારો અને કાર્યો માટે આ તપાસની જરૂર છે. મહત્વનું છે કે, પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટે લાદવામાં આવેલ દંડની ચુકવણી કરી છે. જો તેઓ દંડ ભરતા નહીં, તો તેઓને ત્રણ મહિનાની જેલની સજા થઈ હોત, ઉપરાંત તેમની વકીલાત ઉપર ત્રણ વર્ષ માટે પ્રતિબંધ મૂકાયો હોત. પ્રશાંત ભૂષણે પણ આ કેસમાં નિર્ણય બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી સમર્થકોનો આભાર માન્યો હતો.