(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું જે લોકો વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની હાંસી ઉડાવી રહ્યા છે. એમને ભારતના એન્જિનિયરો અને ટેકનિશિયનોના અપમાન બદલ સજા આપવી જોઈએ. વડાપ્રધાને એવા લોકોની ટિપ્પ્ણીઓ સામે જવાબ આપ્યો હતો. જે લોકો ટ્રેન બાબતે પ્રશ્નો ઉઠાવી રહ્યા હતા. વિરોધ પક્ષના નેતાઓ સરકાર ઉપર આક્ષેપો મૂકી રહ્યા છે કે સરકારે ટ્રેન શરૂ કરવામાં ખૂબ જ ઉતાવળ દાખવી છે.
નોંધનીય છે કે વંદે ભારત એક્સપ્રેસ એની મુસાફરીના પ્રથમ દિવસે જ ખોટકાઈ હતી. વારાણસીથી દિલ્હી પરત આવતા ટેકનિશિયન ખરાબીના લીધે દિલ્હીથી ફકત ર૦૦ કિ.મી. દૂર ખોટકાઈ હતી. જેથી મુસાફરોને અન્ય ટ્રેન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા હતા. પણ બીજા દિવસે ખામી દૂર કરી ટ્રેન પુનઃ શરૂ કરાઈ હતી.
ટ્રેનની આલોચના કરનાર લોકોને મોદીએ કહ્યું અમુક લોકો દેશમાં બનેલ પ્રથમ સેમી-હાઈસ્પીડ ટ્રેનની આલોચના કરી રહ્યા છે જે દુર્ભાગ્યપૂર્ણ છે. આ દેશના એન્જિનિયરોનું અપમાન છે. જેમણે ઘણી મહેનતથી આટલા ઓછા સમયમાં ટ્રેન બનાવી છે. હું એ એન્જિનિયરોને સલામ કરૂ છું. જે ભવિષ્યમાં ભારતમાં બુલેટ ટ્રેન પણ બનાવશે અને દોડાવશે. વિપક્ષોની ટિપ્પણીઓથી એન્જિનિયરોને આઘાત લાગ્યો છે જે બાબતે મને એમણે પત્રો લખ્યા છે. મોદીએ કહ્યું કે શું એન્જિનિયરોનું અપમાન કરવું વ્યાજબી છે ? શું એવા લોકોને માફ કરવા જોઈએ ? એમને ખરા સમયે ખરી સજા આપવી જ જોઈએ. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરી લખ્યું હતું મોદીજી મને લાગે છે કે મેઈક ઈન ઈન્ડિયા બાબતે ગંભીરતાથી પુનઃવિચાર કરવો જોઈએ. ઘણા બધા લોકોનું માનવું છે કે આ યોજના નિષ્ફળ રહી છે. હું તમને ખાતરી આપું છું કે અમે કોંગ્રેસીઓ ગંભીરતાથી વિચારીએ છીએ કે આ કાર્ય કઈ રીતે કરવો જોઈએ.