(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૨૨
વંથલીના ટીનમસ ગામે રહેતી એક મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં જૂનાગઢ સિવિલમાં હોસ્પિટલમાં લવાઈ હતી, ત્યારે ફરજ પરના ડૉક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી, ત્યારે અહીં પહોંચેલા મહિલાના ભાઈએ તેની બહેનના પતિએ ગળુ દબાવીને હત્યા કર્યાનો આક્ષેપ કરતા પોલીસે હત્યાની શંકાએ પેનલ પીએમ કરાવીને તપાસ હાથ ધરી છે. વંથલીના ટીનમસ ગામે રહેતી ગીતાબેન ઝિંઝુવાડિયા નામની મહિલાને ગઈકાલે બપોરે બે વાગ્યાના અરસામાં તેના સસરા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા, ત્યારે ફરજ ઉપરના તબીબોએ ગીતાબેનને મૃત જાહેર કર્યા હતા. અહીં પહોંચેલા ગીતાબેનના ભાઈ રાજેશ જેન્તીભાઈ મકવાણા (રહે.ખીરસરા)એ આવીને જોતા તેની બહેનના ગળા ઉપર ઈજાના નિશાન અને મોં ઉપર લોહીના નિશાન જોતા તેણે પોલીસ સમક્ષ તેની બહેનની હત્યા કરવામાં આવી હોય તેવી આશંકા વ્યક્ત કરી હતી અને ગીતાબેનના પતિ જગદિશ, સાસુ અને નણંદે મારમારીને ગળું દબાવીને મારી નાખ્યાનો આરોપ લગાવતા પોલીસે ગીતાબેનના શરીર ઉપરના નિશાનો ઉપરથી હત્યાની શંકા જતા મૃતદેહને પેનલ પીએમ માટે જામનગર મોકલવામાં આવેલ છે અને તપાસ હાથ ધરાઈ છે. દરમિયાન રાજેશ જેન્તીભાઈ ફરિયાદના આધારે મૃતકના પતિ જગદિશ રૂખડભાઈ ઝિંઝુવાડિયા સામે બોથડ પદાર્થથી મોઢા ઉપર મારમારી અને ગીતાબેનનું મોત નિપજાવવા અંગે ગુનો દાખલ કરવામાં આવેલ છે.