જૂનાગઢ,તા.૩૦
જૂનાગઢ જિલ્લાના વંથલી મેંગો માર્કેટ પાસે ગંભીર અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો. એક પુરઝડપે આવી રહેલાં ટ્રકે મોટર સાઈકલને હડફેટે લેતાં બે વ્યક્તિના ગંભીર ઈજા થવાના કારણે મૃત્યુ થયા હતા. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ તાલુકાના ગલિયાવડ ખાતે રહેતાં ફીરોજભાઈ બોદુભાઈ સીડાએ ટ્રક નં.જીજે ૧ર વાય ૮૦૪૬ના ચાલક વિરૂદ્ધ વંથલી પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવેલ છે કે, આરોપીએ પોતાનો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી અબ્દુલ ઈસ્માઈલ સીડાની મોટર સાઈકલ નં. જીજે ૧૧ એએમ ૬રર૧ને હડફેટે લઈ ફીરોજભાઈ બોદુભાઈ સીડાને ઈજા કરી અને જાબીરભાઈ ઉમરભાઈ સીડા તથા ઈસુબભાઈ મહમદભાઈ સીડા રહે. ગલિયાવાડ તા.જિ. જૂનાગઢવાળાનું મોત નિપજાવી ટ્રક મુકી નાસી જઈ ગુનો કરેલ છે. આ અંગે વંથલી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે દરમ્યાનમાં આ બનાવ અંગે મૃત્તકોના સગા-સંબંધીઓએ હત્યાનાં ષડયંત્રની આશંકા વ્યક્ત કરી છે અને જૂનાગઢ જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર આપી અને આ સમગ્ર બનાવની તટસ્થ તપાસની માંગણી કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.