જૂનાગઢ, તા.ર૭
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે તાજેતરમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખની નિર્મમ હત્યા થઈ હતી જે હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે અને ગણતરીના કલાકોમાં જ આરોપીને પોલીસે ઝડપી લઈ તેના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે દરમ્યાન આજરોજ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પી.આઈ. આર.કે. ગોહિલ તથા સ્ટાફને બાતમી મળી હતી કે, જૂનાગઢનો ભરત ઉર્ફે ભટિયો શાંતિલાલ ભોંય આ ગુનામાં સંડોવાયેલો છે અને જે પોતાની કાર નં.જીજે-૦૧-કેએસ-૯૪૩૧ લઈ બનાવની રાતે જ પોતાના પરિવાર સાથે મહારાષ્ટ્ર રાજ્યના વિરાર મુંબઈ તરફ ફરાર થઈ ગયો હતો ભરત વિરાર મુંબઈ ગામ નારંગી ગણપતિ મંદિરની પાછળ આવેલ જય ભવાની એપાર્ટમેન્ટ પાસેથી તેના સાળા નિલેષ ગોપાલભાઈ તથા ફોરવ્હીલ કાર સામે મળી આવતા જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ ખાતે આ બંને આરોપીને લાવી પૂછપરછ કરવામાં આવી હતી. આ હત્યાનો બનાવ જમીનના મનદુઃખ થયું હોવાનું પણ બહાર આવેલ છે. વધુ તપાસ માટે વંથલી પોલીસને સોંપવામાં આવેલ છે. આ હત્યા કેસમાં ભૂપત નાગજીભાઈ સુત્રેજા મેર (રહે. જૂનાગઢ વણઝારી ચોક), ભરત (ઉ.વ.ર૭, રહે. જૂનાગઢ) તેમજ કમલ મહેશભાઈ મહેતા (રહે.જૂનાગઢ, રાણાવાવ ચોક)વાળા સંડોવાયેલા હોય ત્રણમાંથી બે શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. મૃતકના ભાઈ સુરેશ વડારિયા (રહે.વંથલી)એ પોતાના ભાગની ૯ વિઘા ખેતીની જમીન આરોપી ભૂપત સુત્રેજાને વહેંચેલ હતી પરંતુ મરણજનારની માતા કાંતાબેને આ જમીન બાબતે કોર્ટમાં દાવો કરેલ હતો. જેમાં મૃતક પોતે વકીલ તરીકે કોર્ટમાં દાવો તથા કેસો લડતા હતા જે બાબતનો ખાર રાખી આરોપીઓએ આ હત્યા કેસના બનાવનો અંજામ આપેલ હતો. હત્યા થયા બાદ આરોપી નવઘણ કેશવ ચાંડેલા (રહે.ધંધુસર)એ તેના બનેવી ભૂપત સુત્રેજાને નાસી જવા માટે મદદગારી કરેલ હોય તેની પણ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બાકી રહેલ શખ્સને ઝડપવા પણ ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.