અમદાવાદ, તા.૩
ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં રાજ્ય સરકાર દ્વારા નીમવામાં આવેલા દસ સભ્યોની નિમણુક બાબતે ગુજરાત હાઇકોર્ટમાં જાણ કરવામાં આવતા પિટિશનર ‘સેવ વકફ પ્રોપર્ટીસ મુવમેન્ટ’ દ્વારા તેનો વાંધો ઉઠાવાયો હતો અને આ બાબતે સરકારે મુદત માંગતા હવે પછી શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.
કોંગ્રેસ નેતા બદરૂદ્દીન શેખ નેતૃત્વમાં બનાવાયેલા આ સંગઠન તથા અન્યો દ્વારા વર્ષ ૨૦૧૬માં બે પિટિશનો કરીને વકફ બોર્ડની સમયસર ચૂંટણી અને ૨૬ મિલકતોના ગેરકાયદેસર વેચાણ બાબતનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમના તરફથી એવો મુદ્દો ઉઠાવ્યો હતો કે ૨૦૧૬માં મુદત પૂરી થઈ ગઇ હોવા છતાં સરકારે ચૂંટણીની જાહેરાત કરી નથી અને ચેરમેન તરીકે એ.આઈ. સૈયદને ચાલુ રાખવામાં આવ્યા છે. સૈયદ દ્વારા નિયમનું ઉલ્લંઘન કરીને વકફને લગતી ૨૭ મિલકતો વેચવાની મંજૂરી આપવામાં આવી હતી. હાઇકોર્ટે પિટિશનની સુનાવણી બાદ યથાવત સ્થિતિ રાખવાનો આદેશ કર્યો હતો. બીજી બાજુ સૈયદ ચેરમેન પદેથી મુક્ત થયા હતા. ગત ઓક્ટોબર મહિનામાં હાઇકોર્ટે વચગાળાનો આદેશ આપીને નવી નિમણુક કરવાનો આદેશ આપ્યો હતો પણ રાજયમાં વિધાનસભાની ચૂંટણીના કારણે આચાર સંહિતા હોવાથી સરકારે સમયમર નિમણૂક કરી ન હતી. દરમિયાન સોમવારે સરકારે હાઇકોર્ટમાં કાયદા વિભાગનું જાહેરનામું રજૂ કરીને દસ સભ્યોની નિમણૂક કરી હોવાની જાણ કરી હતી. આ સભ્યોમાં સજ્જાદ હીરા, અફઝલ ખાન પઠાણ, આમદભાઇ જત, રૂકૈયાબેન ગુલાસહુસૈનવાલા, બદરૂદ્દીન હાલાણી, કોંગ્રેસના સાંસદ અહમદ પટેલ, વાંકાનેરના ધારાસભ્ય જાવેદ પીરઝાદા, મીરઝા સાજીદહુસૈન મહેમુદમીયા, સીરાજભાઇ મડકીયા અને અસ્માખાન પઠાણનો સમાવેશ થાય છે.
જો કે પિટિશનની સુનાવણી દરમિયાન અરજદારો વતી રજૂઆત કરવામાં આવી હતી કે, રાજ્ય સરકારે વક્ફ બોર્ડની ચુંટણીના નિયમોની વિરૂધ્ધમાં જઇને આ નિમણૂકો કરી છે. ખરેખર તો સરકારે નામ આપીને મુતવ્વલીઓ દ્વારા ચુંટણી કરાવવાની હોય છે. પરંતુ સરકારે સીધી નિમણૂક કરી દીધી છે. સભ્યની ચૂંટણી બાદ ચેરમેન પદ માટે ચૂંટણી થતી હોય છે. આથી સરકારે સમયની માગણી કરતા શુક્રવારે વધુ સુનાવણી રાખવામાં આવી હતી. આ અંગે જમિઅતે ઉલેમા હિન્દના પ્રો.નિશાર અહમદ અન્સારી સહિતના અન્ય લોકોએ પણ વાંધો ઉઠાવ્યો હતો.