(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૩૧
શહેરની નવી કોર્ટ બિલ્ડીંગમાં વકીલોને પડતી મુશ્કેલીઓ તથા હાલાકી બાબતે શહેરના ધારાશાસ્ત્રી કમલ પંડયાએ હાઇકોર્ટનાં ચીફ જસ્ટીશ કાયદામંત્રી તથા વિધાનસભા અધ્યક્ષને પત્ર લખી રજૂઆત કરી છે. શહેરનાં ધારાશાસ્ત્રી કમલ પંડયાએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે, શહેરના દિવાળીપુરા વેકસીનની જગ્યામાં નવું ન્યાયમંદિર સંકુલ કરોડોનાં ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. પરંતુ ગુજરાત હાઇકોર્ટ તથા કાયદા વિભાગ દ્વારા ન્યાયમંદિર ખાતે મહત્વનો રોલ ભજવતા વકીલોની તકલીફોને ભૂલી જવામાં આવી છે. હાલ અસહ્ય ગરમીમાં કોર્ટ સંકુલમાં વ્યસ્થિત બેસવાની જગ્યા પણ ન હોવાથી ગરમીમાં ત્રાહિમામ થઇ રહ્યાં છે. સાથે જ ટાઇપીસ્ટ, પીટીશન રાઇટર કે સ્ટેમ્પ વેન્ડરને શોધવામાં પણ લોકોને તથા વકીલોને ભારે તકલીફ પડી રહી છે. નોટરી વકીલો માટે પણ બેસવાની વ્યવસ્થા નથી. સંકુલમાં આવેલ ૧૦૭ કોર્ટને શોધવામાં પણ વકીલો તથા નાગરીકોને તકલીફ પડે છે. વકીલાત કે જે વ્યવસાય સમાજમાં પ્રતિષ્ઠા ધરાવે છે તેને આજે કસોટી કાળમાંથી પસાર થવું પડી રહ્યું છે. એડવોકેટ કમલ પંડયાએ હાઇકોર્ટનાં ચીફ જસ્ટીસ, કાયદા મંત્રી તથા વિધાનસભા અધ્યક્ષને આ મામલે તાત્કાલીક કાર્યવાહી કરી વકીલો, ટાઇપીસ્ટ, પીટીશન રાઇટરો માટે તાત્કાલીક બેઠક વ્યવસ્થા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગણી કરી છે.
વકીલોને પડતી મુશ્કેલીઓ તથા અન્ય બાબતે ધારાશાસ્ત્રી દ્વારા હાઈકોર્ટના ચીફ જસ્ટિસને રજૂઆત

Recent Comments