(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૭
રાજય સરકાર દ્વારા ગરીબ અને શ્રમિક પરિવારોને બે ટંકનું ભોજન મળી રહે તે માટે માં અન્નપૂર્ણા યોજના અમલમાં મુકવામાં આવી છે,પરંતુ આ યોજનાનો યોગ્ય રીતે અમલ નહી થતા અનેક સાચા લાભાર્થીઓ આ યોજનાથી વંચિત રહ્યા છે,જયારે બીજી તરફ જે પરિવારો સક્ષમ છે,તેવા પરિવારો આ યોજનાનો ગેરલાભ લઈ રહ્યા છે,ત્યારે અમારી માંગણી છે,કે ખરેખર જરુરીયાતવાળા સાચા લાભાર્થીઓ સુધી આ યોજનાનો લાભ પહોંચવો જોઈએ.તેવી માંગ સાથે આજે નોટરી એડવોકેટ ઈશ્વરીબેન શર્માનાં નેતૃત્વમાં આજે વકીલોએ કલેકટર કચેરી ખાતે નાયબ ચીટનીસને આવેદનપત્ર આપ્યું હતું.
આણંદ કલેકટર કચેરી ખાતે આજે નોટરી એડવોકેટ ઈશ્વરીબેન શર્મા અને વકીલોએ નાયબ ચીટનીસને આવેદપત્ર આપતા રજુઆત કરતા જણાવ્યું હતું કે, રાજય સરકારની યોજનાની અમલવારી કરાવતા અધિકારીઓ અને તંત્રની લાપરવાહીનાં કારણે સાચા લાભાર્થીઓને યોજનાનો લાભ મળતો નથી.ત્યારે રાજય સરકાર દ્વારા યોજનાની અમલવારી કરતા અમલદારોને કડક આદેશ આપવો જોઈએ જેથી સાચા ગરીબો અને વંચિતો યોજનાનાં લાભથી વંચિત રહી જાય નહી માં અન્નપૂર્ણા યોજનાનાં લાભ માટે નિરાધાર વૃદ્ધો પાસે ફરજીયાત પણે બીપીએલ કાર્ડની માંગણી કરવામાં આવે છે,જે યોગ્ય નથી.ત્યારે નિરાધાર વૃદ્ધોને બીપીએલ કાર્ડ વિના પણ આ યોજનાનો લાભ આપવો જોઈએ
ઉપરોકત મુદ્દાઓ તાકિદે ધ્યાનમાં લઈને તેનાં પર તાકીદે અમલવારી કરાવી ગરીબ અને શ્રમિકોને આ યોજનાનો લાભ મળે તે અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી,જેમાં મોટી સંખ્યામાં વકીલો પણ ઉપસ્થિત રહ્યા હતા.