(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૫
ઝાયન ક્રેડીટ સોસાયટીનાં ચેરમેન વિજય વઘાસીયા, પત્ની, પુત્રના સામૂહિક આપઘાત પ્રકરણમાં સરથાણા પીઆઈ એન.ડી. ચૌધરીએ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. સોસાયટીના સભ્યો પાસેથી બે ટકાના વ્યાજે રૂપિયા લઈ લોભામણી સ્કીમો બનાવી કરોડો રૂપિયા મેળવી ચાર ટકાના ઉંચા વ્યાજે ફેરવતા કરોડો રૂપિયાનું દેવું વધી જતાં વઘાસીયા પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાનું હાલ પ્રાથમિક અનુમાન થઈ રહ્યાં છે. ઝાયન ક્રેડીટ સોસાયટીની વિવિધ સ્કીમોના નામે મૃતક વિજય વઘાસીયાએ લાખો રૂપિયા એકત્રિત કર્યા હતા. સોસાયટીની વિવિધ સ્કીમોમાં નાણાં રોકનારા રોકાણકારો આગામી દિવસોમાં રૂપિયા ચૂકવવા થવાનાં હોય, વઘાસીયા પરિવાર આર્થિક ભીંસમાં આવી જતા કરોડો રૂપિયાના દેવાના ચક્કરમાં ફસાયેલા વઘાસીયા પરિવારે આંત્યતિક પગલું ભર્યું હોવાનું જાણવા મળે છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વ્યાજખોરોના ત્રાસને કારણે આપઘાતના બનાવોમાં ચિંતાજનક વધારો થતા કમિ. સતીષ શર્માએ વ્યાજખોરોની સામે સખ્ત કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જેને પગલે સરથાણા પોલીસે આ વઘાસીયા પરિવારના સામૂહિક આત્મહત્યા પ્રકરણની સઘન તપાસ હાથ ધરી છે. ઝાયન ક્રેડીટ સોસાયટીની ડાયરીઓ તેમજ મૃતક વઘાસીયા પાસેથી વ્યાજે લેનારાનું લિસ્ટ તૈયાર કરી પૂછપરછ હાથ ધરાઇ છે.