ડીસા, તા.૭
કહેવાય છે કે ‘સિદ્ધી તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ જરૂરી નથી કે લાખોની કમાણી માટે વધારે અભ્યાસ કરવો પડે. જરૂર છે તો કંઈ કરવાની ધગસ અને કઠોર પરિશ્રમની. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નગાણા ગામના નવલબેન ચૌધરી તેનું જીવતુ ઉદાહરણ છે. ખાસ કરીને માત્ર વ્હાઈટ કોલર જોબથી રોજગારી મળે તેવા સ્વપ્નોમાં રાચતા યુવાધન અને મહિલાઓ માટે નવલબેન ચોક્કસથી પ્રેરણારૂપ છે. એક અભણ પરંતુ કોઠાસૂઝ ધરાવતી મહિલા પોતાની ધગસ અને મહેનતના બળે શ્વેતક્રાંતિનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. નવલબેન ગામમાં જ ૮૦ ભેંસો અને ૪૫ ગાયો રાખીને ૧૧ લોકોને રોજગારી આપવાની સાથે અનેક બહેનોને પશુપાલનનું માર્ગદર્શન આપે છે. જેમનાથી પ્રેરાઈને બહેનો પરિવારની દેખભાળ સાથે પશુપાલન વ્યવસાયમાં ત્રિભોવન કાકા અને ડો.કુરિયને શરૂ કરેલ શ્વેતક્રાંતિનું સંચાલન કરી રહી છે.