(સંવાદદાતા દ્વારા) છાપી,તા.ર૩
મુંબઈ સ્થિત આલ્ફા ટૂર ઓપરેટર દ્વારા મુસ્લિમ બિરાદરોને સસ્તામાં હજયાત્રાએ લઈ જવાની લાલચ આપી વડગામના બસુ ગામના ૧૦૦થી વધુ યાત્રીઓ સાથે કરોડોનું ફુલેકુ ફેરવનાર ટુર ઓપરેટરની કથિત કલકત્તા એરપોર્ટ ઉપરથી ધરપકડ થયાના અહેવાલો મળતા હજયાત્રીઓને ન્યાય મળવાની આશા જાગી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ મુંબઈ ખાતે આલ્ફા ટૂર ઓપરેટફની ઓફિસના સંચાલક નૂરમહમદ ઇબ્રાહિમ દાઉઆ અને તેના માણસો દ્વારા ગત જૂન માસમાં સસ્તામાં હજયાત્રા એ લઈ જવાની લાલચ આપી મુંબઇ સહિત વડગામના બસુ ગામના અનેક યાત્રીઓ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી મુંબઈ સ્થિત ઓફિસને તાળા મારી રફ્ફુચકકર થઈ જતા ચકચાર મચી ગઈ હતી. દરમિયાન ઠગ ટૂર ઓપરેટર વિરુદ્ધ મુંબઈના અનેક પોલીસ મથક સહિત છાપી પોલીસ મથકે છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી જેથી ફરાર ઓપરેટરની પોલીસે શોધખોળ હાથ ધરી હતી દરમિયાન પ્રાપ્ત વિગતો મુજબ કથિત વિદેશ ભાગવાની ફિરાકમાં નૂરમહમદ દાઉઆની કલકત્તા એરપોર્ટ ઉપરથી ચાર દિવસ પૂર્વે ધરપકડ થયાનો અહેવાલો પ્રાપ્ત થયા હતા. આરોપી નૂરમહમદ દાઉઆને ટ્રાન્સફર વોરન્ટથી મુંબઈ નાગપાડા પોલીસ મથકે લાવી મુંબઈ પોલીસે સઘન પૂછપરછ કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે ઠગ ઓપરેટરની બે માસ બાદ ધરપકડ થતાં પીડિત હજયાત્રીઓને ન્યાય મળવાની આશાઓ જાગી હોવાનું જાણવા મળે છે.
છાપી પીએસઆઈ પરિમલ દેસાઈ એ જણાવ્યું હતું કે હજયાત્રાના નામે બસુ ગામના અનેક હજયાત્રીઓ પાસેથી કરોડોનું ફુલેકુ ફેરવી પલાયન થનાર આરોપી વિરૂદ્ધ છાપી પોલીસમાં તા.૧૪/૭/૨૦૧૯ના ફરિયાદ નોંધાઇ હતી. જેથી મુંબઈના પોલીસે ધરપકડ કરતા બસુની ફરિયાદને લઈ ટ્રાન્સફર વોરન્ટથી છાપી પોલીસ મથકે લાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.