(સંવાદદાતા દ્વારા)
છાપી, તા.ર૦
બનાસકાંઠાના વડગામ તાલુકામાં એક જ દિવસમાં આઠ ગામોમાં સગર્ભા મહિલાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ સહિત તાલુકામાં ખળભળાટ મચી ગયો હતો.
વડગામ આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તાલુકાના વિવિધ ગામોમાંથી ત્રીસ જેટલી સગર્ભા મહિલાઓના રેન્ડમ સેમ્પલ લઈ ધારપુર મેડિકલ કોલેજમાં પરીક્ષણ માટે સોમવારે મોકલવામાં આવ્યા હતા. જેનો બુધવાર સાંજે તમામના રિપોર્ટ આવ્યા હતા જેમાંથી કુલ દસ સગર્ભા મહિલાને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. તાલુકાના છાપી સહિત કુલ આઠ ગામો કોરોનાગ્રસ્ત બનતા આરોગ્ય વિભાગ સહિતના તંત્રમાં મોડી સાંજે દોડધામ મચી ગઈ હતી. વડગામ તાલુકાના છાપી – ૨, એદરાણા ૨, રૂપાલ ૧, વેસા ૧, ધારેવાડા ૧, માનપુરા ૧, મેતા ૧, અને પાલડીમાં એક કેસ નોંધાયો હતો અને તમામને પાલનપુર ખાતે સારવાર હેઠળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.