(સંવાદદાતા દ્વારા) વડનગર,તા.૨૦
વડનગર નગરપાલિકાની ચૂંટણી દરમ્યાન ઈવીએમ મશીન સાથે ચેડાં થયાની તથા મતગણતરી વખતે બુથ એજન્ટોની સામે ઈવીએમ મશીનના સીલ ખોલવામાં ન આવ્યાની વડનગરના ચૂંટણી અધિકારીને આવેદનપત્ર પાઠવી લેખિત રજૂઆત કોંગ્રેસના તથા અપક્ષ ઉમેદવારોએ કરી છે. તેમણે બેલેટ પેપર દ્વારા ફરીથી ચૂંટણી યોજવા માગણી કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડનગર નગરપાલિકાના કોંગ્રેસના ઉમેદવારો તથા અપક્ષ ઉમેદવારોએ વડનગરનાં ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરી છે. તેમાં દર્શાવાયું છે કે તા.૧૭/૨/૨૦૧૮ના રોજ વડનગર નગરપાલિકાની ચૂંટણી થયેલ હતી. મતગણતરી મામલતદાર ઓફિસ ખાતે થયેલી. જેમાં કોંગ્રેસના ઉમેદવારો તથા અપક્ષ ઉમેદવારો તથા તેમના બુથ એજન્ટોની સામે ઈવીએમ મશીનના સીલ ખોલવામાં આવેલ નથી. જેથી અમોને તેમજ સર્વે મતદારોને શંકા જાય છે કે ઈવીએમ મશીનમાં ચેડાં થયેલ છે. જેથી અમો ઉમેદવારો તથા ગ્રામજનો આ પરિણામ સાથે સંમત થતા નથી. આપને અપીલ કરીએ છીએ કે તમામ વોર્ડની ચૂંટણી થવી જોઈએ અને તે પણ બેલેટ પેપરના ઉપયોગ સાથે. અત્રે ઉલ્લેખનીય છે કે વડનગર નગરપાલિકાની ચૂંટણીના પરિણામમાં ૨૮માંથી ૨૭ બેઠકો ભાજપને મળતા કોંગ્રેસ અને અપક્ષોમાં ભારે ઉહાપોહ થયો હતો અને મામલતદાર કચેરીના કાચ ફોડવાની પણ ઘટના બનતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.