વડોદરા, તા.૩
વડોદરા શહેરના વડસર ખાતે બિલ્લાબોંગ સ્કૂલ દ્વારા FRCના નિયમો નેવે મૂકીને વાલીઓ પાસે ફી વસૂલતા વાલીઓ દ્વારા પૂર્વ વિદ્યાર્થી નેતા ઋત્વિજ જોષીની આગેવાનીમાં લડત શરૂ કરી હતી. અને વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી. જેના પગલે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઈન્સ્પેકટર શ્વેતા પારગીએ સ્કૂલની મુલાકાત લીધી હતી અને નોટિસ આપી હતી. નોટિસમાં FRCનું પાલન કરવામાં આવતું નથી. પ્રિન્સિપાલની સતત ગેરહાજરીનું કારણ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી જ નોટ-બુક, બેગ સહિતની કિટ શાળામાંથી લેવાની ફરજ પાડવામાં આવે છે. સ્કૂલમાં ગુજરાતીની બુક મળી આવી નથી. તેમજ ફી રિવિઝન કમિટીપ ગાંધીનગરનો હજુ ઓર્ડર થયો નથી. તેમ છતાં શાળા પોતાની જૂની ફી વસુલ કરવા માંગે છે. આ તમામના ખુલાસા બે દિવસમાં કરવા જણાવ્યું છે. એજ્યુકેશન ઈન્સ્પેકટર શ્વેતા પારગીએ જણાવ્યું હતું કે સ્કૂલના વાલીઓની ફરિયાદ મળતા સ્કૂલની મુલાકાત લીધી છે. સંચાલકો દ્વારા FRCના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. જે તપાસમાં ધ્યાનમાં આવ્યું છે. અમે સ્કૂલને નોટિસ આપી બે દિવસમાં ખુલાસો માંગ્યો છે. ત્યારબાદ અમે FRCમાં રિપોર્ટ રજૂ કરીશું. વાલીઓની વ્હારે આવેલા પૂર્વ વિદ્યાર્થી નેતા ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, બિલ્લાબોંગ સ્કૂલના સંચાલકોએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને પણ ઘોળીને પી ગયા છે. એજ્યુકેશન ઈન્સ્પેક્ટરની સામે જ એક વાલીને સંચાલકોએ તમારા બાળકને જોઈ લઈશું તેવી ધમકી આપી છે. બીજું કે સ્કૂલને નોટિસ આપ્યા બાદ પણ સ્કૂલ દ્વારા તેમનું વલણ ચાલુ રાખશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશેે તેવી ચીમકી ઉચ્ચારી હતી.