વડોદરા, તા.૧
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી સપાટી ૭ઃ૦૦ વાગે ૨૫.૨૫ ફૂટે પહોંચી હતી. જેથી પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી ત્યારબાદ સવારે ૧૦ઃ૦૦ વિશ્વામિત્રીની સપાટીમાં ધીરે-ધીરે ઘટાડો થતાં તેમજ વરસાદ રોકાવાને કારણે પૂરનો ભય હાલ પૂરતો ટળ્યો હોવાનું જાણવા મળે છે.
દરમિયાનમાં મળતી માહિતી પ્રમાણે, આજે સવારે સરદાર સરોવરમાંથી નર્મદા નદીમાં ૧૧,૨૬,૭૦૫ ક્યુસેક અને કડાણામાંથી મહી નદીમાં ૫૦,૨૭૬ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું. જેથી નર્મદા નદીના કાંઠા વિસ્તાર અને મહીસાગરના કાંઠા વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી.
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટીમાં ગઈ કાલે ૧૨ઃ૦૦ વાગ્યાથી અચાનક જ ઉતરોતર વધારો થતાં વહીવટી તંત્રનો પણ ચિંતાનો વિષય બન્યો હતો. એક બાજુ આજવા સરોવરના ૬૨ દરવાજામાંથી છોડવામાં આવતું પાણી બંધ કરવામાં આવ્યું હતું અને માત્ર પ્રતાપપુરા સરોવરમાંથી ૬૦૦ ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રાખ્યું હતું. છતાં પણ વિશ્વામિત્રીની સપાટીમાં વધારો થવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ગઇરાત્રે ૫૦૦ વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આજે સવારે ૧૦ઃ૦૦ વાગે કાળા ઘોડા પુલ ખાતે વિશ્વામિત્રીની સપાટીમાં ઘટાડો નોંધાયો છે. સપાટી ઘટીને ૨૫ ફૂટ થઈ છે. હાલમાં પાણીની આવક નથી. જેથી હવે પૂરની પરિસ્થિતિ સર્જાશે નહીં તેવી આશા વહીવટી તંત્રએ વ્યકત કરી હતી. વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી વડસર ગામમાં ફરી વળ્યા હતા. વડસર પાસે આવેલ કાંસા રેસીડેન્સીમાં ૪થી ૫ ફૂટ પાણી થઈ જતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને આ વિસ્તારમાં હોડીઓ ફરતી થઇ ગઇ હતી. વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ રેસીડેન્સીના રહીશોએ વાહનો પણ નજીકમાં આવેલા બ્રિજ ઉપર પાર્ક કરી દીધા હતા
વડસર ખાતેની કાંસા રેસીડેન્સીમાં ફસાયેલા લોકોએ તંત્ર પાસે મદદ માંગી હતી. જેથી અગ્નિશમન દળની ટીમે સ્થળ પર પહોંચી જઈશ ૩૮ વ્યક્તિને બોટ દ્વારા બચાવ કામગીરી કરીને બહાર કાઢ્યા હતા. જ્યારે હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાનું જાણવા મળે છે.