(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
કોંગ્રેસે શનિવારે વડાપ્રધાન મોદીને કહ્યું હતું કે, ભારતના વિસ્તારોમાં બળજબરીથી ઘૂસણખોરી કરવા બદલ તેમણે ચીનની જાહેરમાં ટીકા કરવી જોઇએ અને સરકારને અનુરોધ કર્યો હતો કે, એલએસીનો મુદ્દો ઉકેલવા માટે કડક અને ઝડપી પગલાં લેવા જોઇએ. કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલે વીડિયો પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાને દેશને સંબોધિત કરવું જોઇએ અને આશ્વાસન આપવું જોઇએ કે, ભારતના ક્ષેત્ર પર જે પણ કબજો જમાવશે તેને પરત ધકેલવામાં આવશે. સમગ્ર દેશ અને સમગ્ર વિપક્ષ તેમની સાથે અને તેમની વચનો સાથે ઉભો છે. મોદી સરકારમાં છેલ્લા છ વર્ષમાં સૌથી મોટી રાજદ્વારી નિષ્ફળતાનો આરોપ લગાવીને પૂર્વ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ચીન સાથેના એલએસીના મુદ્દાને ઉકેલવા માટે કેટલાક ઝડપી પગલાં લેવા જોઇએ. ચીન સાથે સરહદ વિવાદ ઝડપી રીતે ઉકેલવા અંગે તેમણે કહ્યું કે, કેટલાક ઝડપી પગલાં જરૂરી છે જ્યારે એવું પણ ટાંક્યું કે, ચીન સાથે રાજદ્વારી અને આર્થિક અટકાવ કામમાં નહીં આવે.