પોતાના ડ્રીમ પ્રોજેક્ટ સોલાર એનર્જી પ્લાન્ટનું શિલાન્યાસ કરશે
રાષ્ટ્રપતિ કોવિંદ રપ-ર૬ નવેમ્બરે ગુજરાત પ્રવાસે આવે તેવી વકી

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવે તેવો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. વડાપ્રધાન તા.૩૦ નવેમ્બરે ગુજરાતની મુલાકાત લઈ તેમના ડ્રીમ પ્રોજેક્ટ એવા કચ્છમાં સોલાર એનર્જી પ્રોજેક્ટનું શિલાન્યાસ કરે તેવો કાર્યક્રમ તૈયાર થઈ રહ્યો છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ગુજરાતનો પ્રવાસ કરે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે. વડાપ્રધાન મોદી ફરીથી ગુજરાતના મહેમાન બની શકે છે. કચ્છના માંડવીમાં વડાપ્રધાન મોદીનો આ ડ્રિમ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે જેમાં ઊર્જા પાર્ક, ડીસેનિલેશન પ્લાન્ટનું વડાપ્રધાન મોદી લોકાર્પણ કરશે, તેમ મનાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૩૦ નવેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી શકે છે તેઓ દેવદિવાળીએ કચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા એનર્જી પાર્કનો શિલાન્યાસ કરશે અને માંડવી ખાતે એક નવા ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદ્‌ઘાટન કરશે. આ પહેલાં ૩૦-૩૧ ઓક્ટોબરના રોજ મોદી ગુજરાતમાં આવ્યા હતા અને અહીં સી-પ્લેન સહિત કેવડિયા ખાતે અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ૨૯ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં કેશુભાઈ પટેલના અવસાનને કારણે કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો. ૩૦ ઓક્ટોબરે કેવડિયા જવાના બદલે તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં કેશુભાઈ પટેલના નિવાસસ્થાને જઈ બાપાને શ્રદ્ધાંજલિ અર્પી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. ભારત દેશના પ્રથમ નાગરીક એવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાત લઈ શકે છે. એક માહિતી અનુસાર રાષ્ટ્રપતિ રામનાદ કોવિંદ રાજ્યના સ્પીકર કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગાંધીનગરમાં ૨૫ અને ૨૬ નવેમ્બરે આવી શકે છે.
ગુજરાતમાં ૨૫ અને ૨૬ નવેમ્બરે સ્પીકર કોન્ફરન્સ યોજાશે જેમાં દેશના તમામ રાજ્યોના સ્પીકર ઉપસ્થિત રહેશે. આ કોન્ફરન્સમાં પીએમ મોદી વર્ચ્યુલ સંબોધન કરશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતમાં બે દિવસની મુલાકાતે આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ૨૫ નવેમ્બરના રોજ મોડી સાંજ સુધીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત આવી શકે છે અને ૨૬ નવેમ્બરના રોજ તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્પીકર કોન્ફરન્સના આયોજનમાં ભાગ લઈ શકે છે. આ કોન્ફરન્સ લોકસભા સ્પિકરના અધ્યક્ષસ્થાને યોજાઈ રહી છે, ગુજરાતમાંથી પણ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ હાજરી આપશે. આ ઉપરાંત મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલ પણ હાજરી આપશે.