વોટર એરોડ્રામ, જેટી, બ્રિજ, લેન્ડિંગ અને ટેક ઓફ સિગ્નલ, ફ્લોટિંગ બેરીકેટ, એરબેગ સહિતની કામગીરીને અપાતો આખરી ઓપ

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૫
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડીયાના નર્મદા ડેમ નજીક તળાવ નંબર ત્રણ સુધી સી- પ્લેન ઉડાડવાની તૈયારીને આખરી ઓપ અપાઇ ચૂકયો છે. અમદાવાદ અને કેવડિયા બંને સ્થળે જેટી, વોટર એરોડ્રામ, લેન્ડિંગ અને ટેક ઓફ માટેના સિગ્નલ, હવાની દિશા જાણવા માટેના સાધનો, બ્રિજ, રેલિંગ, ફ્લોટિંગ બેરીકેટ સહિતની કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આગામી ૩૧ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદથી સી- પ્લેનમાં બેસી ઉદ્ઘાટન કરી કેવડિયા જવા રવાના થશે. અમદાવાદના દાણીલીમડા સ્થિત વાસણા બ્રિજથી જમાલપુર બ્રિજ વચ્ચે સાબરમતી નદીમાંથી ગુજરાતનુ સૌ પ્રથમ સી પ્લેન ઉડાણ ભરવાનું છે. સાબરમતી નદીમાં જ્યાં સી પ્લેન લેન્ડ થવાનું છે ત્યાં સામાન્ય એરપોર્ટની જેમ જ લેન્ડિંગ સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ઉપરાંત ટેક ઓફ સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે. આ બંને સિગ્નલ બ્રિજ સાથે લગાવવામાં આવ્યા છે. હવાની દિશા જાણવા માટેના એર બેગ પણ મુકવામાં આવ્યા છે. જેટી સુધી પહોંચવા માટે બ્રિજ બનાવવાની તથા તેની આસપાસ રેલીંગ બનાવવાની કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી છે. નદીમાં ફ્લોટિંગ બેરીકેટ પણ લગાવવામાં આવ્યા છે. પાયલોટ જ્યારે સી પ્લેનને લેન્ડ કરે ત્યારે નદીમાં પાણી ઉછળતું હોય તો દર ૧૦૦ મીટરના અંતરે પ્લાસ્ટિકના ફલોટીંગ બેરીકેટ મૂકવામાં આવ્યા છે. જેના કારણે પાયલોટ નદીના પાણીની સ્થિતિ જોઈ શકે. ઉપરાંત હવાની દિશા જાણવા માટે અમુક અંતરે એર બેગ પણ લગાવવામાં આવી છે. ખાસ અગત્યની બાબત એ છે કે એર ટ્રાફિક કંટ્રોલ સહિતની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ વ્યવસ્થાની ટેસ્ટિગની કામગીરી પૂર્ણતાના આરે છે. એજ પ્રમાણે નર્મદા ડેમ નજીક તળાવ નંબર ત્રણ પાસે જેટી અને વોટર એરોડ્રામ બનાવવાની કામગીરી લગભગ પૂર્ણ થઈ ચૂકી છે. ફ્લોટિંગ જેટી તળાવમાં ઉતારી દેવામાં આવી છે. સી પ્લેનના મુસાફરો માટે ટર્મિનલ પણ તૈયાર થઈ ગયું છે. તળાવના ત્રણ કિલોમીટર વિસ્તારમાં બોયા માર્કિંગ કરવામાં આવ્યું છે, જેથી સી પ્લેન ઉતરે તો જેટી સુધી સરળતાથી પહોંચી શકે અને દુર્ઘટના ના સર્જાય. આમ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તથા કેવડિયાના નર્મદા ડેમ સ્થિત તળાવ નંબર ૩ ખાતે સી પ્લેનના લેન્ડિંગ અને ટેક ઓફ માટેની તમામ કામગીરી પૂર્ણતાના આરે છે. ત્યારે આગામી ૩૧ ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જયંતીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યોજાનાર છે એ દિવસે આ પરેડમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદથી સી પ્લેનમાં બેસી તેનું ઉદ્ઘાટન કરશે