(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમ દેશોના પ્રમુખોને ઈદની શુભેચ્છાઓ પાઠવવાનો સિલસિલો મંગળવારે પણ યથાવત્ રાખ્યો. મોદીએ મંગળવારે કતારના અમીર શેખ તામિમ બિન હમાદ અલ-થાની અને ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતેહ અલ સીસીની સાથે ટેલિફોન પર વાતચીત કરી અને તેમને અને તેમની જનતાને ઈદ ઉલ-ફિત્રની શુભેચ્છાઓ પાઠવી. મોદીએ વાતચીતમાં બંને નેતાઓ સાથે કોવિડ-૧૯ની મહામારીની સ્થિતિની પણ ચર્ચા કરી.
વિદેશ મંત્રાલયના એક નિવેદન અનુસાર, વડાપ્રધાન મોદીએ કતારના અમીર અને ઈજિપ્તના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરવા દરમિયાન કોવિડ-૧૯ની મહામારીની સ્થિતિમાં તેમના દેશોમાં રહેતાં ભારતીય નાગરિકોના કલ્યાણનું વ્યક્તિગત રૂપે ધ્યાન રાખવા માટે તેમની પ્રશંસા કરી છે. કતારના અમીર અલ-થાનીએ તેમના દેશમાં ભારતીય સમુદાયના યોગદાનની પ્રશંસા કરી, જેમાં ખાસ કરીને ભારતીય સ્વાસ્થ્ય કર્મીઓની ભૂમિકાના તેમણે વખાણ કર્યા.
વડાપ્રધાને વર્તમાન પરિસ્થિતિમાં ભારતમાંથી જરૂરી ચીજવસ્તુઓના અવિરત પુરવઠા માટે ભારતીય અધિકારીઓના કાર્યોને પણ રેખાંકિત કર્યા. નિવેદન અનુસાર, વડાપ્રધાને કતારના અમીર અલ-થાનીને જન્મદિવસની પણ શુભેચ્છાઓ પાઠવી અને તેમના સારા સ્વાસ્થ્ય તેમજ તેમની સફળતા માટે કામના કરી.
મોદીએ પોતાની પૂર્વ આયોજિત ઈજિપ્તની યાત્રાને મહામારીને કારણે સ્થગિત કરવાની ચર્ચા કરતાં કહ્યું છે કે, તેઓ પરિસ્થિતિ સુધરતા જ સીસીને મળવા તેમના દેશમાં જશે. પીએમે સીસીને ઈદની શુભેચ્છાઓ પાઠવતાં ભારત અને ઈજિપ્તને દુનિયાની સૌથી જૂની સભ્યતાઓ તરીકે યાદ કરી અને દ્વીપક્ષીય સંબંધોમાં ઝડપથી થતાં વિસ્તાર પર ખુશી વ્યક્ત કરી.
વડાપ્રધાન મોદીએ ઈજિપ્તના રાષ્ટ્રપતિ અને કતારના અમીરને ઈદની શુભેચ્છાઓ પાઠવી

Recent Comments