(એજન્સી) નવી દિલ્હી, તા.૯

પીએમ નરેન્દ્ર મોદીએ આજે દેશભરના ખેડૂતોને એક લાખ કરોડ રૂપિયાની ભેટ આપી છે. એગ્રીકલ્ચર ઈન્ફ્રાન્સ્ટ્રક્ચર ફંડ હેઠળ ખેડૂતોને પાકની વધુ સારી કિમત મળે તે માટે ફાઈનાન્સિંગની સુવિધા મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અંતર્ગત નાણાકીય સુવિધાઓની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પીએમ-કિસાન યોજનાની વિવિધ સુવિધાઓની જાહેરાત કરી હતી. આ સાથે જ વડાપ્રધાને વર્ચ્યુઅલ કાર્યક્રમમાં એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અંતર્ગત ૮.૫ કરોડ કરતા વધારે ખેડૂતો માટે ૧૭,૦૦૦ કરોડ રૂપિયાની રાશિ ફાળવી છે. વડાપ્રધાને જણાવ્યું કે, ૮.૫ કરોડ ખેડૂત પરિવારોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ તરીકે ૧૭,૦૦૦ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરતા મને ખૂબ જ સંતોષ અનુભવાઈ રહ્યો છે. સંતોષ એ વાતનો છે કે, આ યોજનાનું જે લક્ષ્ય હતું તે હાંસલ થઈ રહ્યું છે. છેલ્લા દોઢ વર્ષમાં આ યોજનાના માધ્યમથી ૭૫,૦૦૦ કરોડ રૂપિયા સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ ગયા છે. તેમાંથી ૨૨,૦૦૦ કરોડ રૂપિયા તો કોરોનાના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું તે દરમિયાન જ ખેડૂતો સુધી પહોંચી ગયા છે.

યોજનાના શુભારંભ પર વડાપ્રધાને જણાવ્યું કે, આ યોજનાથી ગામડાઓમાં ખેડૂતોના જૂથોને, કિસાન સમિતિઓને, FPOsને વેરહાઉસ બનાવવા, કોલ્ડ સ્ટોરેજ બનાવવા, ફૂડ પ્રોસેસિંગ સાથે જોડાયેલા ઉદ્યોગો લગાવવા ૧ લાખ કરોડ રૂપિયાની મદદ મળશે. પહેલાં e-NAM દ્વારા એક ટેકનોલોજી આધારીત મોટી વ્યવસ્થા બનાવવામાં આવી. હવે કાયદો બનાવીને ખેડૂતોને બજારના ક્ષેત્રમાંથી અને બજાર ટેક્સના ક્ષેત્રમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા.