પાલનપુર, તા.૧૭
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦મા જન્મદિને બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોએ ૭૦ હજાર વૃક્ષો વાવીને અનોખી રીતે ઉજવણી કરી હતી. બનાસ ડેરીના પાલનપુર, લખનૌ, કાનપુર, ફરીદાબાદ ખાતેના પ્લાન્ટો ઉપરાંત જિલ્લાભરની દૂધ મંડળીઓ અને ગામે ગામ દૂધઉત્પાદકો, ખેડૂતો અને પશુપાલકોએ વડ અને પીપળાના વૃક્ષોનું વાવેતર કરીને તેમનું જતન કરવાના સંકલ્પ લીધા હતા. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ વડગામ તાલુકાના જલોત્રા ગામેથી મુખ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનો શુભારંભ કરતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પર્યાવરણ પ્રેમ સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે, ત્યારે તેમના જન્મદિને પર્યાવરણની રક્ષા થાય અને તેનું જતન થાય તે માટે જિલ્લાના સૌ પશુપાલકોએ સંકલ્પ લઈને સમગ્ર જિલ્લામાં ૭૦ હજાર વૃક્ષોનું વાવેતર આજે કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને વડ અને પીપળના વૃક્ષોનો સમાવેશ થાય છે. જલોત્રા અને આજુબાજુનો ધાણધાર પ્રદેશ તેની અસલિયત ગુમાવીને પાણીના અભાવે સૂકો પ્રદેશ બની રહ્યો હોવાની ચિંતા વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું કે વૃક્ષારોપણ અને જળસંચયના કામો થકી આ વિસ્તાર તેની હરિયાળી પ્રકૃતિ પાછી મેળવશે તેવો મને વિશ્વાસ છે. દૂધના વ્યવસાય થી અલગ વ્યવસાયો જેવા કે મધ, તેલિબિયા, મેડિકલ કોલેજ, બટાકા અને ગોબરધનના વિવિધ વ્યવસાયો હવે આકાર પામ્યા છે, તેમાંથી પણ નફા સ્વરૂપે વધારાની આવક પશુપાલકોને મળી રહી છે. સ્વ. ગલબાકાકાનું સપનું હતું કે દૂધ સિવાયના ધંધામાંથી પણ ખેડૂતોને આવક મળે એ જ સપનું આજે સાકાર થયું છે. આ વિસ્તારના ભણેલા ગણેલા યુવાનો ધંધા વ્યવસાય દ્વારા ઉદ્યમશીલ બને તે માટે આ વિસ્તારમાં જીઆઇડીસીની સ્થાપના થાય તેવી નેમ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે જો આ વિસ્તારના આગેવાનો આગળ આવશે તો અહીં જીઆઇડીસી સ્થાપનાની પણ ઉજળી તકો જણાઈ રહી છે.