(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
ગંગા નદીની સફાઈ માટે મોદી સરકારે નમામિ ગંગે યોજના શરૂ કરી હતી. આ બાબતે સીએજી દ્વારા અહેવાલ બહાર પાડવામાં આવ્યું છે. અહેવાલમાં ખુલાસો કરાયો છે કે ફાળવાયેલ રકમમાંથી સરકારે ર૬૦૦ કરોડ રૂપિયા ખર્ચી જ નહીં શકી. આ રકમ વિભિન્ન રાજ્ય કાર્યક્રમના આયોજકો અને કેન્દ્રીય એજન્સીઓને ૩૧મી માર્ચ ર૦૧૭ સુધી ખર્ચવાની હતી.
અહેવાલમાં જણાવાયું છે કે ૩૬ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાંટસ, ઈંટરસેપ્શન એન્ડ ડાયવર્સન પ્રોજેક્ટસ અને કેનાલ યોજનાઓ માટે પ૧૧૧ કરોડ રૂપિયાની જરૂર હતી. ર૭૧૦ કરોડ વાળી યોજનાઓમાં મોડું કરાયું આના માટે જમીન ઉપલબ્ધ નહીં હોવી અને કોન્ટ્રાક્ટરોની ધીમી કામગીરીને જવાબદાર ઠેરવાયું હતું. સરકારે છેલ્લા ૩ વર્ષમાં ૧ર હજાર કરોડ રૂપિયા આપવાની જાહેરાત બજેટમાં કરી હતી પણ અપાયા ફક્ત પ૩૭૮ કરોડ અને આ રકમમાંથી પણ ફક્ત ૩૬૩૩ કરોડ રૂપિયા ઉપાડાયા પણ વાસ્તવિક ખર્ચ ફક્ત ૧૮૩૬ કરોડ કરાયું હતું. ગંગાની સફાઈ માટે ર૦૧૪-૧પના વર્ષ માટે ર૦પ૩ કરોડની જોગવાઈ કરાઈ હતી. જેમાંથી ૩ર૬ કરોડ રૂપિયા જ અપાયા હતા અને એમાંથી ૧૭૧ કરોડ ખર્ચાયા. આ જ પ્રમાણે ર૦૧પ-૧૬ માટે ૧૬પ૦ કરોડ ફાળવાયા, ૧૬૩ર કરોડ અપાયા અને ખર્ચાયા ૬૦ર કરોડ. ર૦૧૬-૧૭ના વર્ષ માટે ૧૬૭પ કરોડ રૂપિયા ફાળવાયા. પણ ૧૦૬ર કરોડ જ ખર્ચાયા હતા.