(એજન્સી) તા.૧૯
લદ્દાખમાં લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર ચીન સાથે પ્રવર્તમાન તંગદિલી વચ્ચે મોદી સરકાર પર જવાબી કાર્યવાહીનું દબાણ વધી રહ્યું છે. આ દરમિયાન ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ પોતે આગળ આવી ચીનના રાષ્ટ્રપતિ પાસે કોરોના વાયરસ મહામારી પર જવાબ માંગવો જોઈએ અને ગલવાન ખીણ ખાલી કરાવવાની માગણી કરવી જોઈએ. સ્વામીએ ટ્‌વીટ કરી હતી કે, આ હાસ્યાસ્પદ છે કે વિદેશમંત્રી કોરોના વાયરસ મહામારી પર ચર્ચા કરવા માટે તેમના ચીની સમકક્ષ સાથે મુલાકાત કરશે. વડાપ્રધાને તેમને બેઠકમાં ભાગ ન લેવાનું કહેવું જોઈતું હતું અથવા તો તેમણે ડૉ.હર્ષવર્ધનને મોકલવા જોઈતા હતા. હવે જરૂર છે કે વડાપ્રધાન મોદી શી જિનપિંગનું નામ લઈ તેમને ગલવાન ઘાટી ખાલી કરવા કહે. ઉલ્લેખનીય છે કે, સુબ્રમણ્યમ સ્વામી વિદેશી બાબતોમાં સતત કેન્દ્ર સરકારને સલાહ આપી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જો ચીન ભારત સાથે યુદ્ધ કરશે તો અને તેને ખૂબ જ મોટી હાર આપીશું. તેમણે આ પણ કહ્યું હતું કે, ૯૦ ટકા ભારતીયો ઈચ્છે છે કે જો શાંતિથી આ મુદ્દાનો ઉકેલ ન આવે તો ભારતે યુદ્ધ કરવું જોઈએ.