(એજન્સી) તા.રપ
ટાઈમ મેગેઝિનની “વર્ષ-ર૦ર૦ના સૌથી પ્રભુત્વશાળી લોકો” અંગેની યાદીમાં સ્થાન મેળવનાર શાહીનબાગના બિલ્કિસ દાદીએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી તેમના પુત્ર જેવા છે અને જો વડાપ્રધાન મોદી તેમને મળવા માટે આમંત્રણ આપશે તો તેમને ખુશી થશે. નોંધનીય છે કે, ૮ર વર્ષીય બિલ્કિસ દાદી આ વર્ષની શરૂઆતમાં દિલ્હીના શાહીનબાગમાં યોજાયેલા સીએએ-વિરોધી પ્રદર્શનોના સંઘર્ષને યાદ કરતાં શાહીનબાગના દાદીએ એક ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે, “વરસાદ અને કડકડતી ઠંડી વચ્ચે પણ અમે ધરણાં પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. જામિયામાં અમારા બાળકો સાથે મારપીટ કરવામાં આવી, અમારી નજર સમક્ષ ગોળીબાર કરવામાં આવ્યું આમ છતાં અમે મક્કમતાથી ત્યાં ધરણા કરતા રહ્યા.” જ્યારે બિલ્કિસ દાદીને પૂછવામાં આવ્યું કે, “જો તમને આમંત્રણ આપવામાં આવે તો તમે વડાપ્રધાન મોદીને મળવા જશો ?” તેમણે કહ્યું હતું કે, “ચોક્કસ, હું તેમને મળવા જઈશ, તેમાં ડરવા જેવું શું છે ? મોદીજી પણ મારા દીકરા છે. હું તેમની માતા સમાન છું. મેં તેમને જન્મ આપ્યો નથી પરંતુ મારી બહેને તેમને જન્મ આપ્યો છે.” બિલ્કિસ દાદીએ ટાઈમ મેગેઝિનની યાદીમાં સામેલ થવા બદલ વડાપ્રધાન મોદીને અભિનંદન પણ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ર૪ માર્ચના રોજ કોવિડ મહામારીના કારણે શાહીનબાગના આંદોલનને સમેટી લેવામાં આવ્યું હતું.