• રાજકોટમાં એઈમ્સના ભૂમિપૂજન તથા પાટીદારોના કાર્યક્રમ માટે પ્રવાસ ગોઠવવા તજવીજ
• સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઈ રાજકીય સ્થિતિ સુધારવાનું પણ ગણિત ?
(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૬
કોરોના મહામારી વચ્ચે છેલ્લા બે-ત્રણ મહિનામાં ગુજરાતની ઉપરા-છાપરી મુલાકાત લેનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વધુ એક ગુજરાત પ્રવાસનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. જાન્યુઆરી માસમાં વડાપ્રધાન ફરી એકવાર પાટીદારોના સરદારધામના પ્રસંગ માટે તથા રાજકોટની એઈમ્સના ભૂમિપૂજન સહિતના કાર્યક્રમો માટે ગુજરાતનો વધુ એક પ્રવાસ ખેડે તેવી વિગતો ખાસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે. ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ યોજવાની છે. ૬ મહાનગરપાલિકા, ૮૧ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજવા જઇ રહી છે. ત્યારે સૂત્રો તરફથી એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે વડાપ્રધાન મોદી ડિસેમ્બર બાદ ફરી જાન્યુઆરી માસમાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અગાઉ વર્ષ ૨૦૧૫ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન રાજ્યમાં ચાલી રહેલા આંદોલનના પરિણામે ભારતીય જનતા પાર્ટીને માઠા પરિણામ ભોગવવા પડ્યા હતા. આ જ પરિણામોના કારણે રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી એવા આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. ૨૦૧૫ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રકાસ બાદ વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ છેલ્લા બે દશકાથી પ્રદેશમાં રાજ કરતું ભાજપ ૯૯ બેઠક પર આવીને અટકી ગયું હતું. વર્ષ-૨૦૨૨ની વિધાનસભાની પૂર્વે તૈયારીના ભાગરૂપે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તમામ બેઠકો પર જીત મેળવાનો પ્લાન પ્રદેશ ભાજપ અધ્યક્ષે ઘડી દીધો છે. ત્યારે હવે વડાપ્રધાન પણ આવતા મહિને ફરી ગુજરાત પ્રવાસે આવી ભાજપની પરંપરાગત વૉટબેંક એવા પાટીદાર સમાજની સંસ્થા ’સરદાર ધામ’ના નવ નિર્મિત બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવાના છે. સરદાર ધામ દ્વારા આગામી જાન્યુઆરી માસના બીજા સપ્તાહનો તેમનો સમય માંગવામાં આવ્યો છે. આ જ રીતે રાજકોટ શહેરને એઈમ્સ તો આપી દીધી છે પરંતુ તેનું ભૂમિપૂજન હજુ સુધી નથી થયું. આથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં રાજકોટ એઈમ્સનું ભૂમિપૂજન કરવામાં આવે તેમ મનાય છે. આ રીતે પીએમ મોદીનો પ્રવાસ કચ્છ-સૌરાષ્ટ્રના ૮ જિલ્લા અને ઉત્તર ગુજરાતના ૮ જિલ્લાને અસર કરવાનો છે. જેના પરિણામે વર્ષ ૨૦૧૫માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે વિસ્તારોમાં કૉંગ્રેસ મજબૂત થઈ હતી તે નબળી થશે અને ભાજપને તેનો સીધો લાભ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરી માસના ગુજરાત પ્રવાસ દરમિયાન સરદાર ધામ અને એઈમ્સ ઉપરાંત અન્ય વિકાસલક્ષી પ્રોજેકટનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવાના છે. આ તમામનો સીધો ફાયદો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થશે. તેવા ગણિત સાથે વડાપ્રધાનનો પ્રવાસ ફાઈનલ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
Recent Comments