(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે, વડાપ્રધાન મોદી એમની બ્રિટનની મુલાકાત દરમિયાન ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાર્પણ બાબત વડાપ્રધાન થેરેસા મે સાથે વાતચીત કરશે. જો કે આ બાબતે કોઈ અધિકૃત નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. બ્રિટન સરકારના પ્રવકતાએ જણાવ્યું છે. થેરેસા મે અને વડાપ્રધાન મોદી બન્ને દેશોના કાયદાકીય મામલાઓ બાબતે પણ વાતચીત કરશે. ભારતની બેંકો સાથે છેતરપિંડી કરી વિજય માલ્યા લંડન ભાગી ગયો છે. ભારતની કોર્ટે એમને ભાગેડુ જાહેર કરેલ છે. એમણે બેંકો સાથે ૯૦૦૦ કરોડની છેતરપિંડી કરી હતી. વિજય માલ્યા મુદ્દે વિરોધ પક્ષો મોદી સરકાર ઉપર અવારનવાર આક્ષેપો કરતા રહે છે. હાલમાં વિજય માલ્યા ખૂબ જ વૈભવી અને અય્યાશી જીવન જીવી રહ્યા છે. જેને જોઈ ભારતના સામાન્ય લોકોમાં પણ સરકાર પ્રત્યે રોષ જણાઈ રહ્યું છે કે સરકાર વિજય માલ્યાને ભારત લાવવા પ્રયાસો નથી કરતી. લંડનમાં બે વખત એમની ધરપકડ થઈ હતી પણ એ જામીન ઉપર છૂટી ગયો હતો. સરકાર હવે પ્રત્યાર્પણની લાંબી પ્રક્રિયા હાથ ધરી છે. ભારતે બ્રિટનની કોર્ટ સમક્ષ ર૦૦૦ પાનાનું ડોઝીયર કોર્ટ સમક્ષ મૂકયું છે. વિજય માલ્યાએ બ્રિટનની કોર્ટ સમક્ષ એ પણ દલીલ કરી હતી કે ભારતની જેલોમાં કેદીઓની હાલત બદતર છે. એમને માનવીઓની મૂળભૂત સુવિધાઓ પણ અપાતી નથી.