વડોદરા, તા.૨૭
સુરતમાં વધતા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાને પગલે રાજ્ય સરકારમાં ચિંતાનું મોજું ફેલાયું છે. સરકાર દ્વારા રવિવાર મધ્યરાત્રીએ ૨૭ તારીખથી સુરત માટેની ખાનગી અને એસટી બસને આગામી દસ દિવસ સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી સંક્રમણમાં ઘટાડો થઈ શકે. રાજ્ય સરકાર દ્વારા સુરત અને અમદાવાદના કેસ ઉપર સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. અગાઉ પણ આ બંને શહેરને એક બસ દ્વારા કવર નહીં કરવાનો આદેશ જારી કરાયો હતો. ત્યારબાદ થોડા દિવસ અગાઉ બંને શહેર માટે બસ સેવા બંધ કરવાનીે જાહેરાત ગણતરીના કલાકોમાં પરત લેવાઈ હતી. ત્યારે હવે ફરી એક વખત સુરત માટે બસ સેવા બંધ કરવાની જાહેરાત કરાઈ છે. અન્ય શહેરમાંથી આવતી બસ સુરત બાયપાસથી પસાર થશે. વડોદરા એસટી ડિવિઝનના ઈન્ચાર્જ એસપી માત્રોઝાએ જણાવ્યું હતું કે, વડોદરાના વિવિધ ડેપોમાંથી રોજ ૩૦ બસ સુરત જતી હતી. જ્યારે અન્ય શહેરોની વાયા સુરત જઈને ૪૦૦ શિડ્યુલ હતા. આ સિવાય ખાનગી ઓપરેટરોએ જણાવ્યું હતું કે દોઢસો બસ સુરતથી સૌરાષ્ટ્ર માટે કાર્યરત છે જે બંધ થતા પાંચ હજાર લોકો અટવાશે જો કે આ નિર્ણય માત્ર દસ દિવસ માટેનો છે.