(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.૧૦
ભરૂચ એલ.સી.બી. પોલીસે વાલિયા કોર્ટમાં એફ્રેડીન ડ્રગ્સના ચકચારી કેસમાં ખૂંખાર આરોપીઓને ભગાડવાના પ્રકરણની તપાસ દરમ્યાન મધ્યપ્રદેશની બટુલ ગેંગના પાંચ ગુર્ગાઓને અંકલેશ્વર ખાતેથી ઝડપી પાડી ચાર જેટલા લૂંટના ગુનાનો ભેદ ઉકેલી મોટી સફળતા મેળવી હતી.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ વડા સંદિપસિંહ અને એલ.સી.બી. પીઆઈ સુનિલ તરડેના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ચૌહાણ સહિતની ટીમ યુપી ખાતે મિલકત સંબંધી ગુનાઓની તપાસ માટે ગઈ હતી તે દરમ્યાન ઉત્તરપ્રદેશથી ટેકનિકલ સહાયની મદદથી પોલીસે અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતે હતા તે વેળા ગડખોલ પાટિયા પાસે પોલો કાર નં. જી.જે.૬ ઈએમ ૧પ૦૦માં લૂંટના આરોપીઓ હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ગાડી ઝડપી પાડી તેમાં બેઠેલા વિનોદ દયારામ વર્મા, (રહે- માનાપુર પો.પટ્ટી ઉત્તરપ્રદેશ, નિતેષસિંગ સમલાસિંગ (રહે. મહેન્દ્રનગર ગડખોલ પાટિયા, અંકલેશ્વર મૂળ રહે. બિહાર), દિવ્યાંશુસીંગ ઉર્ફે ગોલુ ચોર દેવી પ્રસાદસીંગ રહે. હાલ કામરેજ ટોલનાકા સુરત મૂળ રહે. ઉત્તરપ્રદેશ દિપક દયાનંદ ભગત (રહે. ભાવના ફાર્મ, અંકલેશ્વર મૂળ રહે. બિહાર) તથા ભાનુકર દયાકર મારમ (રહે. ચરલાપલ્લી, તા. ઘટકેશ્વર મંડલ, જિ. રંગારેડ્ડી તેલંગાણા)ને ઝડપી પાડી ઝડતી દરમ્યાન રેકઝીન કીટ, નાયલોનનો રસ્સો, લોખંડની હથોડી તથા રોકડા રૂા.ર,ર૧,પ૦૦/- કબજે કર્યા હતા. પકડાયેલ ઈસમોની પોલીસે કડક પૂછપરછ કરતા તેઓએ ચાર ગુના કર્યાની કબુલાત કરી હતી. જેમાં વાલિયા કોઈ ખાતે એક્રેડીન ડ્રગ્સ બનાવવાના એનડીપીએસના ગુનામાં સંડોવાયેલ બ્રિજભૂષણ ઉર્ફે બુટુલ મીથીલાધીશ પાંડે તથા સંતોષસીંગ અમલાસીંગને એમ.પી.ઈન્દોર પોલીસના જાપ્તામ લાવ્યા હતા. તે વેળા પૂર્વયોજીત ષડયંત્રના ભાગરૂપે સદર આરોપીઓએ બુટુલ પાંડે અને સંતોષસિંગને ભગાડી મૂક્યા હતા જે અંગે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેનો ભેદ ઉકેલાયો હતો. આ ઉપરાંત વડોદરા તરસાલી રોડ પર આવેલ આર.કે. જ્વેલર્સ નામની દુકાનમાં દોઢ મિનિટમાં રૂા.ર૦ લાખની લૂંટના ગુનાની પણ આ ઈસમોએ કબુલાત કરી હતી. નોંધનીય છે ઝડતી દરમ્યાન તેઓ પાસેથી કબજે લેવાયેલ રૂા.ર,ર૧,પ૦૦ની મતા તે સદર દાગીનાનો એક હિસ્સો વેચીને જમા કરેલ હોવાનું ખુલવા પામ્યું હતું.
વડોદરા મકરપુરા જીઆઈડીસી ખાતે એસ.બી.આઈ. બેન્કમાંથી નાણાં ઉપાડી જતા શખ્સને ટક્કર મારી લૂંટ કરવાના ગુનામાં તેમજ ગત ઓકટોબર માસમાં અંકલેશ્વર રાજપીપળા ચોકડી ખાતે ચેઈન સ્નેચીંગના બનાવમાં પણ આ ઈસમોએ ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરતા પોલીસે તમામની અટકાયત કરી વધુ ગુનાઓમાં તેમની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી.